Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

લિબીયામાં આતંકવાદીઓની ચુંગલમાંથી ૭ ભારતીયોનો આખરે છૂટકારો

અપહ્રત ભારતીયો ઉત્ત્।ર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, અને બિહારના રહીશ છે

ટ્યૂનિસ (ટ્યૂનિશિયા),તા. ૧૨:ઉત્ત્।ર આફ્રિકી દેશ લિબીયામાં અપહરણ કરાયેલા ૭ ભારતીયોનો આખરે છૂટકારો થયો છે. ટ્યૂનિશિયામાં ભારતીય રાજદૂત પુનિત રોય કુંદલે આ અંગે જાણકારી આપી. આતંકવાદીઓએ ગત મહિને સાત ભારતીયોનું અપહરણ કર્યું હતું. અપહ્રત ભારતીયો ઉત્ત્।ર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, અને બિહારના રહીશ છે.

આ ભારતીયોનું અપહરણ ગત મહિને ૧૪ સપ્ટેમ્બરના રોજ લિબીયાના અસ્સહવેરિફ વિસ્તારમાંથી કરાયું હતું. આ ભારતીયો ભારત પાછા ફરવા માટે ત્રિપોલી એરપોર્ટ જઈ રહ્યા હતાં ત્યારે તેમનું અપહરણ કરી લેવાયું હતું. ભારતે ગુરુવારે કિડનેપિંગની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તમામને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અપહ્રત નાગરિકોની ભાળ મેળવવાની સાથે સાથે તેમને જલદી મુકત કરાવવા માટેના દરેક શકય પ્રયત્ન થઈ રહ્યા છે. તમામ નાગરિકો લિબીયામાં કન્સ્ટ્રકશન એન્ડ ઓઈલ ફિલ્ડ સપ્લાય કંપનીમાં કામ કરતા હતાં.

લિબીયામાં ભારતીય દૂતાવાસ નથી. પાડોશી દેશ ટ્યૂનીશિયામાં ભારતીય દૂતવાસ જ લિબીયામાં ભારતીય નાગરિકોના વેલફેરનું ધ્યાન રાખે છે. લિબીયા સરકાર અને ત્યાં રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠનોનો સંપર્ક કરીને ભારતીય નાગરિકોને મુકત કરાવવા માટે મદદ માંગવામાં આવી હતી.

અત્રે જણાવવાનું કે ભારત સરકાર તરફથી સપ્ટેમ્બર ૨૦૧૫માં નાગરિકોને સુરક્ષા દ્રષ્ટિથી લિબીયાની મુસાફરી કરવાથી બચવાની સલાહ અપાઈ હતી. મે ૨૦૧૬માં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે લિબીયાની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ પણ લગાવ્યો હતો. આ પ્રતિબંધ હજુ  પણ ચાલુ છે.

(11:28 am IST)