Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કોરોનામાં પણ ગુજરાતના ડંકાઃ સૌથી વધુ વિદેશોથી રોકાણ મેળવ્યું

દેશમાં આવેલ કુલ વિદેશી રોકાણમાંથી અડધાથી વધુ ગુજરાતમાં રોકાણ થયું: નવી પોલીસી, લગાતાર સુધારા, જલ્દી કલીયરન્સ, સ્થાયી સરકાર વગેરેનો મળ્યો લાભઃ દેશમાં કુલ ૨.૨૪ લાખ કરોડનું વિદેશી રોકાણ એપ્રિલથી સપ્ટેમ્બરમાં થયું: જેમાં ૧૧૯૫૬૬ કરોડનું રોકાણ માત્ર ગુજરાતમાં: કુલ રોકાણના ૫૨ ટકા મેળવ્યું

નવી દિલ્હી, તા. ૩૦ :. એક તરફ જ્યાં મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે તેવામાં ગુજરાતની સાથે સાથે ભારતમાં વિદેશ મૂડી રોકાણમાં વધારો થયો છે. કોરોના કાળમાં સૌથી વધુ વિદેશી પૂંજી નિવેશ (એફડીઆઈ) ગુજરાતમાં થયુ છે.

વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧મા પ્રથમ ૬ માસમાં દેશમાં ૨.૨૪ લાખ કરોડથી વધુ મૂડી રોકાણ થયુ છે. જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ૬ માસમાં ૧.૮૨ લાખ કરોડ હતુ.

વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજરાતે ૧.૧૯ લાખ કરોડથી વધુનુ રોકાણ આકર્ષિત કર્યુ છે. જે દેશમાં આવેલ કુલ એફડીઆઈના ૫૨ ટકાથી વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ૬ માસમાં આ આંકડો ૧.૮૨ લાખ કરોડ હતો.

ઉદ્યોગ સંવર્ધન અને આંતરીક વ્યાપાર વિભાગના આંકડા અનુસાર દેશભરમાં ગુજરાતે સૌથી વધુ વિદેશી મૂડી રોકાણ મેળવ્યુ છે. તે પછી કર્ણાટકમાં ૨૭૪૫૮ કરોડ, મહારાષ્ટ્ર ૨૭૧૪૩ કરોડ, દિલ્હી ૧૯૮૬૩ કરોડ, તામીલનાડુ ૭૦૬૨ કરોડ અને ઝારખંડ ૫૯૯૦ કરોડનુ મૂડી રોકાણ મેળવ્યુ છે.

સૌથી વધુ નિવેશ સર્વિસ સેકટરમાં થયુ છે. ફાયનાન્સ, બેન્કીંગ, વિમા, રીસર્ચ, ટેસ્ટીંગ અને એનાલીસીસવાળા આ ક્ષેત્રમાં ૧૭ ટકા મૂડી રોકાણ થયુ છે તે પછી કોમ્પ્યુટર સોફટવેર ૧૨ ટકા, ટેલીકોમ ૭ ટકા અને કન્સ્ટ્રકશનમાં ૭ ટકા થયુ છે.

ગુજરાત સરકારે કોરોનાકાળમાં પણ વિદેશી કંપનીઓ સાથે સતત સંપર્ક રાખ્યો હતો. વેબીનાર થકી અમેરિકા, જાપાન, બ્રિટન સાથે સંપર્ક રાખી પ્રયાસો ચાલુ રાખ્યા. ગુજરાતમાં નવી પોલીસી, સતત સુધારા, જલદી કલીયરન્સ, લેન્ડ બેન્ક હોવી, સ્થાયી સરકાર અને શ્રમિકોની ઉપલબ્ધતાને કારણે ગુજરાતને ફાયદો થયો છે.

દેશમાં સૌથી વધુ રોકાણ મોરેસીયસથી આવ્યુ છે. તે પછી સિંગાપોર, અમેરિકા, નેધરલેન્ડ, જાપાન, બ્રિટન, જર્મની, ફ્રાન્સમાંથી આવ્યુ છે.

(10:33 am IST)