Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પટિયાલા હિંસા :શિવસેના નેતા હરીશ સિંગલા બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા :હિંસા ભડકાવવાનો છે આરોપ

હિંદુ અને શીખ જૂથો વચ્ચે અથડામણ થયા બાદ હરીશ સિંગલાને શિવસેનાના પંજાબ કાર્યકારી અધ્યક્ષ પદ પરથી હટાવી દેવાયા

કોર્ટે શિવસેનાના નેતા હરીશ સિંગલાને પટિયાલા હિંસા બાબતે બે દિવસની પટિયાલા પોલીસની કસ્ટડીમાં મોકલી દીધા છે. સિંગલાની શુક્રવારે ખાલિસ્તાન વિરોધી માર્ચનું નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પરવાનગી વિના સરઘસ કાઢવાનો અને હિંસા ભડકાવવાનો આરોપ છે. શુક્રવારે પટિયાલામાં હિંદુ અને શીખ જૂથો વચ્ચે અથડામણ થયા બાદ સિંગલાને શિવસેનાના પંજાબ કાર્યકારી અધ્યક્ષ પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા હતા.

પટિયાલામાં કાલી માતાના મંદિરની બહાર જ્યારે સિંગલાના જૂથે નજીકના આર્ય સમાજ ચોકથી ‘ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ’ શરૂ કરી ત્યારે અથડામણ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે નિહંગ સહિત કેટલાક શીખ કાર્યકર્તાઓ, જેઓ દુઃખ નિવારણ સાહિબ ગુરુદ્વારામાં એકઠા થયા હતા. તે મંદિર તરફ આગળ વધ્યા. તેમાંથી કેટલાકે તલવારો પણ લહેરાવી. તેમણે કહ્યું કે શીખ સમુદાયના સરઘસને પણ અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. પોલીસના જણાવ્યા મુજબ મંદિર પાસે બંને જૂથો સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો. આ પછી, મંદિરના દરવાજા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા અને શહેરમાં હિંસા ન ફેલાય તે માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

 

આ અંગે સ્પષ્ટતા કરતા હરીશ સિંગલાએ શુક્રવારે કહ્યું હતું કે સંગઠને 29 એપ્રિલના રોજ ‘ખાલિસ્તાન સ્થાપના દિવસ’ તરીકે ઉજવવાની ‘શીખ ફોર જસ્ટિસ’ની જાહેરાતના જવાબમાં માર્ચનું આયોજન કર્યું હતું. સિંગલાએ કહ્યું કે પ્રતિબંધિત જૂથ ‘સિખ્સ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત પન્નુને 29 એપ્રિલને ખાલિસ્તાનના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

 

બે જૂથો વચ્ચેની અથડામણના એક દિવસ પછી, પંજાબ સરકારે પટિયાલામાં મોબાઇલ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવાઓને સ્થગિત કરી દીધી છે. રાજ્યના ગૃહ અને ન્યાય વિભાગ દ્વારા વોઈસ કોલ સિવાય મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ અને ન્યાય વિભાગના મુખ્ય સચિવ અનુરાગ વર્માએ આદેશમાં જણાવ્યું હતું કે પટિયાલા જિલ્લામાં પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રાષ્ટ્રવિરોધી અને અસામાજિક ઈરાદાને નિષ્ફળ બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જૂથો તેમણે કહ્યું હતું કે આ પગલું શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવામાં મદદ કરશે અને જાનહાનિ, જાહેર અથવા ખાનગી સંપત્તિના નુકસાનને અટકાવશે.

 

(8:42 pm IST)