Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ઈવી વાહનોના વેચાણમાં દિલ્હીનો ૧૦ ટકાનો હિસ્સો

પોલીસીના લોન્ચ થયાના ૧૮ મહિનામાં સિદ્ધિઃદિલ્હી દેશનું ઈવી કેપિટલ, ફ્રાંસ-સિંગાપુર જેવા વિકસિત દેશોની ઈવીમાં ભાગીદારીથી વધુ દિલ્હીમાં ઈવી વાહનો

નવી દિલ્હી, તા.૨૮ : દેશ અને સમગ્ર દુનિયા હવે કાર્બન ઉત્સર્જનથી પરે પરંપરાગત ઉર્જાસ્ત્રોત તરફ વળી રહી છે. કંપનીઓ અને સરકારો પણ મોટાપાયે રીન્યૂએબલ એનર્જી માટે રોકાણ કરી રહી છે. ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ભારતનું પણ એક રાજ્ય છે જે હવે દેશનું ઈવી કેપિટલ બની ગયું છે અને તેનું નામ છે-રાષ્ટ્રીય રાજધાની દિલ્હી.

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી સિસોદિયાનો દાવો છે કે દિલ્હી ઈલેકટ્રિક વ્હીકલ પોલીસીના લોન્ચ થયાના ૧૮ મહિનાની અંદર દિલ્હી ભારતની ઈવી રાજધાની બની ગયું છે. દેશના કુલ ઈલેકટ્રિક વાહનોના વેચાણમાં દિલ્હીનો ભાગ ૨૦૧૯-૨૦માં ૧.૨ ટકા હતો જે ફેબ્રુઆરી ૨૦૨૨માં વધીને ૧૦ ટકા થઈ ગયો છે. સિસોદિયાએ આ વૃદ્ધિનો શ્રેય ઈલેક્ટ્રિક વ્હિકલ નીતિને આપ્યો છે. સિસોદિયાએ કહ્યું કે ઈવી વેચાણમાં દિલ્હી ૧૦ ટકાનો આંકડો પાર કરનાર ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે, જે ફ્રાંસ અને સિંગાપુર જેવા વિકસિત દેશોની ઈવીમાં ભાગીદારીથી વધું છે.

દિલ્હી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને ઓગસ્ટ ૨૦૨૦માં લોન્ચ કરી હતી જેનો ઉદ્દેશ્ય ૨૦૨૪ સુધી વાહન વેચાણમાં ઈવીની ભાગીદારી ૨૫ ટકા સુધી વધારવાની છે. આ સમયે દિલ્હી સરકારે કહ્યું હતું કે તેનું લક્ષ્ય રાષ્ટ્રીય રાજધાનીમાં ખતરનાક વાયુનાં પ્રદુષણના સ્તરને ઓછું કરવાનું છે.

જાન્યુઆરી ૨૦૨૨માં દિલ્હીમાં એક એગ્રીગેટરની નીતીને લાગુ કરવામા આવી. જેના અનુસાર રાઈડ-હેલિંગ એગ્રીગેટર્સ અને ડિલીવરી સેવાઓએ નવા વાહન ખરીદતા સમયે ફરજીયાતપણે ઈવીને સ્વીકારવું પડશે. પોલિસી અનુસાર રાઈડિંગ એગ્રીગેટર્સ અને ડિલીવરી સેવા આપવાવાળાઓએ એ ખાતરી કરવી પડશે કે માર્ચ ૨૦૨૩ સુધી બધા નવા ટુ-વ્હીલરમાંથી ૫૦ ટકા અને બધા નવા ફોર-વ્હીલરમાંથી ૨૫ ટકા ઈલેકટ્રીક વ્હિકલ્સ જ હોય.

(8:05 pm IST)