Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

યુક્રેન-રશિયા યુદ્ધનો 33મો દિવસઃ રશિયાની સુરક્ષાની ખાતરી આપવા, તટસ્‍થ રહેવા અને પોતાને પરમાણુમુક્‍ત રાજ્‍ય જાહેર કરવા યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્‍સકીની તૈયારી

બંને દેશો વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધ માટે મહત્‍વપૂર્ણ મુદ્દો

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયાને 32 દિવસ વીતી ગયા છે. સોમવારે યુદ્ધનો 33મો દિવસ છે. યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી કહે છે કે તેઓ રશિયાની સુરક્ષાની ખાતરી આપવા, તટસ્થ રહેવા અને પોતાને પરમાણુ મુક્ત રાજ્ય જાહેર કરવા તૈયાર છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે.

તુર્કીના ઈસ્તાંબુલમાં બંને દેશોના પ્રતિનિધિઓ ફરી એકવાર સામસામે બેસીને વાતચીત કરશે. પરંતુ આ વાતચીત પહેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે તેઓ પુતિનની ગેરવાજબી માંગણીઓ સામે ઝૂકવાના નથી. આ મંત્રણા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે જો રશિયા ડિમિલિટરાઇઝેશનની વાત કરશે તો અમે વાતચીતના ટેબલ પર પણ નહીં બેસીએ.

જૈવિક શસ્ત્રોના હોવાના દાવાઓ નકારી કાઢવામાં આવ્યા

રશિયાએ યુક્રેન પર પરમાણુ અને જૈવિક શસ્ત્રો મેળવવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ઝેલેન્સકીએ તેનો અસ્વીકાર કર્યો. તેણે કહ્યું- ‘આ મજાક છે, અમારી પાસે પરમાણુ હથિયાર નથી. અમારી પાસે જૈવિક પ્રયોગશાળાઓ અને રાસાયણિક શસ્ત્રો નથી. યુક્રેન પાસે આ વસ્તુઓ નથી.

 ઝેલેન્સ્કીના નિવેદનો પરથી એવું પણ લાગતું હતું કે યુક્રેનિયન સેના હવે રશિયન હુમલાઓથી નિરાશ થઈ રહી છે, શસ્ત્રોની અછત છે અને કોઈ પણ સેના શસ્ત્રો વિના દુશ્મનનો મુકાબલો કરી શકતી નથી. તાજેતરમાં, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે યુક્રેન શોટગન અને મશીનગન વડે રશિયાની મિસાઇલોનો સામનો કરી શકશે નહીં. ટેન્ક, બખ્તરબંધ વાહનો અને ખાસ કરીને જેટ વિના, હવે મેરીયુપોલને બચાવવું શક્ય નથી.

વાટાઘાટોના 6 માંથી 4 મુદ્દા પર સંમત હોવાનો દાવો

વ્લાદિમીર મેડિન્સકીએ કહ્યું કે શાંતિ વાટાઘાટો મંગળવાર (29 માર્ચ)થી શરૂ થશે અને બુધવારે (30 માર્ચ) સમાપ્ત થશે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોઆને કહ્યું કે રશિયા અને યુક્રેન વાટાઘાટોના છમાંથી ચાર મુદ્દા પર સહમત થયા છે. આમાં યુક્રેન નાટોમાં ન જોડાવું, યુક્રેનમાં રશિયન ભાષાનો ઉપયોગ, નિઃશસ્ત્રીકરણ અને સુરક્ષા બાંયધરીનો સમાવેશ થાય છે. જો કે, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ કહ્યું કે રશિયા સાથે મુખ્ય મુદ્દાઓ પર “કોઈ સમજૂતી” થઈ નથી. આ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચેની વાતચીતના અનેક રાઉન્ડમાં ચર્ચા થઈ છે.

(5:22 pm IST)