Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

એક સાથે ૧૦ ન્યૂકિલઅર પાવર પ્લાન્ટ સ્થપાશે : ૭૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે

હવે ભારતમાં નહીં થાય વીજળીની અછત

નવી દિલ્હીઃ તા.૨૮ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેકટ હર ઘર વીજળીના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતમાં વીજળી ઉત્પન્ન કરવાની યોજના યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.

આ અંતર્ગત ભારત ૨૦૨૩થી ૧૦ ન્યુકિલયર પાવર પ્લાન્ટ સ્થાપશે. તેનાથી ૭૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. આ પ્રોજેકટ પર ફ્લીટ મોડમાં કામ કરવામાં આવી રહ્યું છે. એટલે કે પ્રોજેકટને જલ્દી પૂર્ણ કરવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટના પાયા માટે કોંક્રીટ નાખવાની સાથે પરમાણુ ઉર્જા રિએકટરનું બાંધકામ ઝડપથી કરવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE)ના અધિકારીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી પરની સંસદીય સમિતિને જણાવ્યું હતું કે કૈગા યુનિટ ૫ અને ૬નું બાંધકામ ૨૦૨૩થી શરૂ થશે. બીજી તરફ ગોરખપુર, હરિયાણા એટોમિક પાવર પ્રોજેકટ યુનિટ ૩ અને ૪ અને માહી બાંસવાડા રાજસ્થાન એટોમિક એનર્જી પ્રોજેકટ યુનિટ ૧થી ૪ની FPC ૨૦૨૪માં અપેક્ષિત છે અને ચુટકા મધ્યપ્રદેશ અણુ પાવર પ્રોજેકટ યુનિટ ૧ અને ૨ વર્ષ ૨૦૨૫માં FPC થવાની સંભાવના છે.

કેન્દ્રએ જૂન ૨૦૧૭માં ૭૦૦ મેગાવોટના ૧૦ સ્વદેશી રીતે વિકસિત પ્રેશરાઇઝડ હેવી વોટર પ્લાન્ટ (PHWR)ના નિર્માણને મંજૂરી આપી હતી. આ ૧૦ ભ્ણ્ષ્ય્ રૂ. ૧.૦૫ લાખ કરોડના ખર્ચે બાંધવામાં આવશે. આ પ્રથમ વખત છે, જ્યારે સરકારે ખર્ચ ઘટાડવા અને બાંધકામનો સમય ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક સમયે ૧૦ પરમાણુ પાવર રિએકટરના નિર્માણને મંજૂરી આપી હતી.

DAE અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લીટ મોડ પ્રોજેકટ્સ માટે જથ્થાબંધ ખરીદી કરવામાં આવી રહી હતી. જેમાં સ્ટીમ જનરેટર, SS 304L ફોર્જ્ડ ટ્યુબ્સ અને પ્લેટ્સ ફોર એન્ડ શીલ્ડ, પ્રેશરાઈઝર ર્ફોજિંગ્સ, બ્લીડ કન્ડેન્સર ર્ફોજિંગ્સ, ૪૦ સ્ટીમ જનરેટર્સ માટે ઈન્કોલોય-૮૦૦ ટ્યૂબ રિએકટર હેડરોના ઉત્પાદન માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગોરખપુર યુનિટ ૩ અને ૪ અને કૈગા યુનિટ ૫ અને ૬ ટર્બાઇન આઇલેન્ડ માટે એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ પેકેજો પ્રદાન કરવામાં આવ્યા છે.

એક ન્યુકિલયર પાવર પ્લાન્ટ ફ્લીટ મોડ હેઠળ પાંચ વર્ષના સમયગાળામાં બાંધવામાં આવે તેવી અપેક્ષા છે. હાલમાં ભારતમાં ૬૭૮૦ મેગાવોટની કુલ ક્ષમતા સાથે ૨૨ રિએકટર કાર્યરત છે. ગુજરાતના કાકરાપાર ખાતેનું ૭૦૦ મેગાવોટનું રિએકટર ગયા વર્ષે ૧૦ જાન્યુઆરીએ ગ્રીડ સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ તેનું કોમર્શિયલ ઓપરેશન હજુ શરૂ થયું નથી.

PHWRs કુદરતી યુરેનિયમનો બળતણ તરીકે અને ભારે પાણીનો મધ્યસ્થી તરીકે ઉપયોગ કરે છે, જે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય આધાર તરીકે ઉભરી આવ્યા છે. કેનેડાના સહયોગથી રાજસ્થાનના રાવતભાટા ખાતે ૧૯૬૦ના દાયકામાં ૨૨૦ મેગાવોટના ભારતના પ્રથમ બે PHWRની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ ૧૯૭૪માં ભારતના શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણો પછી કેનેડાએ સમર્થન પાછું ખેંચી લીધા પછી બીજું રિએકટર મહત્વપૂર્ણ સ્થાનિક કંપનીઓના સમર્થનથી બનાવવું પડ્યું હતું. વર્ષોથી ભારતે પ્રમાણિત ડિઝાઇન અને બહેતર સલામતીનાં પગલાં સાથે ૨૨૦ મેગાવોટના ૧૪ PHWRS બનાવ્યાં છે.

ભારતીય ઇજનેરોએ વીજ ઉત્પાદન ક્ષમતાને ૫૪૦ મેગાવોટ સુધી વધારવા માટે ડિઝાઇનમાં વધુ સુધારો કર્યો અને મહારાષ્ટ્રના તારાપુર ખાતે આવા બે રિએકટર કાર્યરત કરવામાં આવ્યા. ક્ષમતાને ૭૦૦ મેગાવોટ સુધી વધારવા માટે વધુ સુધારા વધારા કરવામાં આવ્યા હતા.

(2:31 pm IST)