Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

બંને વડી કચેરી ઉપર સૂત્રોચ્ચાર

પોસ્ટલ-LIC માં સજ્જડ હડતાલઃ હજારો અરજદારોના કામો ઠપ્પઃ કરોડોનું નુકશાન

પ્રિમીયમ-ટપાલ સેવા-મની ઓર્ડર-નાણાની લેવડ દેવડ-પાર્સલ સહિતની અનેક કામગીરી ર દિ' ખોરવાશે ટેલીકોમ કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા ધરણા-દેખાવો-સુત્રોચ્ચાર

રાજકોટ તા. ર૮ :.. દેશના ૧૦ ટ્રેડ યુનિયનોએ ખાનગીકરણ - નવી પેન્શન નીતિ સહિત એક ડઝન માંગણીઓ સાથે આજથી બે દિ' હડતાલ જાહેર કરી દેતા અને રાજકોટની હેડ પોસ્ટ ઓફીસ સહિત તમામ  કચેરીઓ-એલઆઇસી-ઇન્કમટેક્ષ-ટેલીકોમ સહિતની કચેરીઓના હજારો - લાખો કર્મચારીઓ ર દિ'ની હડતાલ ઉપર ઉતરી જતા હજારો અરજદારોના વીમા પ્રિમીયમ, ટેલીકોમ બીલ સેવા, ફોલ્ટ નિવારણ, ટપાલ સેવા-પાર્સલ-મની ઓર્ડર-સેવીંગ્ઝ-પેન્શન ઉપાડ-નાણાની લેવડ-દેવડ સહિતની તમામ કામગીરી ર દિ' ખોરવાઇ જવા પામી છે, પાર્સલ-કૂરીયર-ગ્રામ્ય ટપાલ સેવા પણ બંધ કરી દેવાઇ છે, ર દિ' માં કરોડોના નુકશાનનો અંદાજ છે.

પોસ્ટલ-એલઆઇસી-ટેલીકોમની યાદી મુજબ ઓફીસના કર્મચારીઓ પોતાની વિવિધ માંગ સાથે આજથી બે દિવસ હડતાલ ઉપર ઉતરી ગયા છે. ઓલ ઇન્ડીયા પોસ્ટલ યુનિયન (એનએફપીઇ), નેશનલ પોસ્ટલ એમ્પલોઇ યુનિયન (એફએનપીઓ) તથા ગ્રામીણ ડાક સેવક યુનિય (એનએફપીઇ) દ્વારા વિવિધ માંગણીઓ લઇને હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. પોસ્ટલ-એલઆઇસી-ટેલીકોમના થઇને ૧૪૦૦ થી વધુ કર્મચારીઓ જોડાયા છે.

કર્મચારીઓની માંગણી જેવી કે (૧) નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવે. (ર) ખાનગી કરણની હિલચાલ અને ફ્રેન્ચાઇઝી આઉટલેટસ બંધ કરવી. (૩) ડાક મિત્ર યોજના પાછી ખેંચવી. (૪) ઇન્ટરનેટ કનેકશન ની સમસ્યા દુર કરી ગ્રાહકો અને સ્ટાફને રાહત આપવી. (પ) વારંવાર થતી ફીનેકલ -SAP/BACK-OFFICE  ની સર્વર સમસ્યા દુર કરવી. (૬) ૧૮ માસથી રોકી રાખેલ મોંઘવારી ભથ્થું સત્વરે ચુકવવું (૭) અવાસ્તવીક ટાર્ગેટ/મેળા/IPPB/SB  મહાલોગીન દિવસ બંધ કરવા. (૮) ડીપાર્ટમેન્ટ સિવાયના અન્ય કાર્યોના નામે કર્મચારીઓને માનસિક રીતે હેરાન કરવાનું બંધ કરવું તેમજ દરેક કેડરની ખાલી જગ્યાઓ સત્વરે ભરવી.

આ હડતાલમાં દેશભરનાં કેન્દ્રીય કર્મચારીઓ, બેંક કર્મચારીઓ, સહિત ૧૦ ટ્રેડ યુનિયનો દ્વારા પોતાની પડતર માંગણીઓ માટે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. 

પોસ્ટલ-એલઆઇસી-ટેલીકોમ સહિતની તમામ કચેરીઓ ઉપર સવારે ૧૧ વાગ્યા બાદ ધરણા-સુત્રોચ્ચાર-દેખાવો યોજાયા હતાં. કર્મચારીઓએ કચેરી ગજવી મૂકી હતી, દરેક કચેરી સૂમસામ ભાંસતી નજરે પડી હતી.

(11:36 am IST)