Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

વિધાનસભા ચૂંટણીમાં ઉતરવા ૫૦થી વધુ નાના દળો છે તૈયાર

૨૨ વર્ષમાં બીજેપી - કોંગ્રેસ સિવાય કોઇને પણ નથી મળ્યો જનતાનો સાથ

નવી દિલ્હી તા. ૨૮ : ગુજરાતમાં વિધાનસભાની આવનારી ચૂંટણીને લઈને તમામ પક્ષોએ જોરદાર તૈયારીઓ શરૂ કરી નાખી છે. મોટા પક્ષોતો સક્રિય થઈ ગયા છે, તો નાના દળો પણ સક્રિય થતા દેખાઈ રહ્યા છે. ગુજરાતના ૨૨ વર્ષના ઈતિહાસમાં બીજેપી અને કોંગ્રેસ સિવાય અન્ય કોઈ ત્રીજા પક્ષને રાજયના મતદારોએ સ્વીકાર કર્યા નથી. સ્થાનીક નાના પક્ષો પણ માત્રને માત્ર મોટા પક્ષોના વોટ કાપવા સુધી સિમિત રહી ચૂકયા છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૭માં માત્ર ભારતીય ટ્રાઈબલ પાર્ટી જ ૩ સીટ જીતી શકી હતી. જયારે કે અન્ય કોઈ પક્ષ બેઠકો જીતવામાં નિષ્ફળ રહ્યા હતા.

ગુજરાત ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ રાજયમાં છેલ્લી ૬ ચૂંટણીઓથી સત્ત્।ામાં છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સત્તા મેળવવા માટે તલપાપડ છે. જયાં કોંગ્રેસ છેલ્લા ૨૭ વર્ષથી રાજયની સત્તાથી દૂર છે. આવી સ્થિતિમાં, ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ઘ સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવા કોંગ્રેસ સંપૂર્ણ રીતે ચૂંટણી મેદાનમાં છે.

જો કે આ વખતે કોંગ્રેસ નાના પક્ષોની મદદથી ભાજપને નુકસાન પહોંચાડવાની રણનીતિ પર કામ કરી રહી છે. ગત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સીપીઆઈ મેદાનમાં હતા, આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હવે સક્રિય થઈ ગયા છે. તેમની જનવિકલ્પ મોરચા પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હાર્દિક પટેલ પાસેથી ઘણી આશાઓ છે. પટેલ અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસ માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યો છે. આ સાથે જ પાટીદાર સમાજની નારાજગીના કારણે ભાજપને ચૂંટણીમાં નુકસાન થવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની વોટ ટકાવારીમાં મોટો ઉછાળો આવ્યો છે, જે ૪૦ ટકાને પાર કરી ગયો છે. આ ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનો મોટો રોલ હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલનો ગ્રાફ નબળો પડ્યો છે. આ જ કારણ છે કે કોંગ્રેસ ગુજરાતના પ્રભારીની નિમણૂક કરવા માંગે છે જે ચૂંટણીમાં તેમના અનુભવથી પાર્ટીને ઘણો ફાયદો કરે.

(10:02 am IST)