Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અમેરિકા લાલચોળ : ISIS-K પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં

યુ.એસ એરફોર્સના વિમાને બચાવ કામગીરી તેજ કરી બાર કલાકમાં 7500 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢયા: એરપોર્ટની અંદરથી બહાર સુધી લગભગ 70 હજાર લોકોની ભીડ

સિરિયલ બ્લાસ્ટ બાદ કાબુલ એરપોર્ટ પર ડરનો માહોલ છવાયો છે. ત્યારે યુ.એસ એરફોર્સના વિમાને બચાવ કામગીરી તેજ કરી હતી. લગભગ બાર કલાકમાં 7500 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે

દેશ અને વિશ્વ માટે ચિંતાનું કેન્દ્ર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ છે. સિરિયલ બ્લાસ્ટ બાદ ફરી એકવાર મોટા આતંકવાદી ખતરાનો પડછાયો મંડરાઈ રહ્યો છે. કાબુલ એરપોર્ટ પર કોઈ અનિચ્છનીય બનાવ બનવાની સંભાવના છે અને હજુ પણ એરપોર્ટની અંદરથી બહાર સુધી લગભગ 70 હજાર લોકોની ભીડ છે.

ગઈકાલે સાંજે લગભગ 5 વાગ્યે જ્યારે કાબુલ એરપોર્ટના ગેટ પાસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો, ત્યારે મૃતદેહો નાળામાં તરવા લાગ્યા. ઈજાગ્રસ્તો સારવાર માટે પાણીમાં તણાઈ રહ્યા હતા. સમગ્ર ગટરનું પાણી લોહીથી લાલ થઈ ગયું હતું, પરંતુ આજે અફઘાન નાગરિકો ફરીથી એ જ નાળા પાસે ભેગા થયા.

હજારો લોકો નાળા ઉપર અને નાળાની અંદર ઉભા રહીને તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી રહ્યા હતા. જે દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં લોકો ફિદાયીન હુમલાઓ કરતાં વધારે તાલિબાનથી ડરે છે અને તેથી તેઓ તાલિબાન શાસનના પડછાયાથી પણ દૂર જવા માંગે છે. તે માટે તેઓ પોતાના જીવને પણ દાવ પર લગાવી રહ્યા છે. આ દરમિયાન કાબુલ સિરિયલ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 170 પર પહોંચી ગયો છે. આ સમાચાર એક પ્રતિષ્ઠીત મીડીયા દ્વારા આવ્યા છે. બીજી બાજુ તાલિબાને દાવો કર્યો છે કે તેણે કાબુલ બ્લાસ્ટના કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દરમિયાન કાબુલ એરપોર્ટ પર આજે ફરી ફ્લાઈટ્સ શરૂ થઈ. 16 કલાક પછી જ્યારે આજે બપોરે 12 વાગ્યાથી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી, ત્યારે એરપોર્ટ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. વિમાનના ટેક-ઓફની જાહેરાત થતાં જ રનવે પર હજારોની ભીડ દેખાવા માંડે છે, એટલે કે આતંકવાદી હુમલાને કારણે એક તરફ કાબુલ એરપોર્ટ પર ગભરાટનો માહોલ છે.

યારે બીજા હુમલાની સંભાવના પણ છે અને બીજી બાજુ અફઘાનિસ્તાન છોડવાને લઈને અફરાતફરીનો માહોલ  છે. બીજી બાજુ કાબુલ હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનથી બચાવ કામગીરી તેજ કરી દીધી છે અને રાષ્ટ્રપતિ જો બાઈડેને કાબુલ હુમલાનો બદલો લેવાનો સંકલ્પ પણ કર્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અમેરિકા ISIS-K પર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. યુએસ એરફોર્સ આઈએસઆઈએસ-કે બેઝ પર હવાઈ હુમલો કરશે. અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાન છોડે કે તરત જ અમેરિકા ISIS-Kના અડ્ડાઓનો નાશ કરશે.

26 ઓગસ્ટના રોજ જ્યારે કાબુલ એરપોર્ટના નોર્થ ગેટ પાસે પહેલો બોમ્બ વિસ્ફોટ થયો, ત્યારે ચારે બાજુ મૃતદેહો વેરવિખેર હતા અને ત્યાં ચીસો પડી રહી હતી. ગટરનું પાણી લોહીથી રંગાયેલું હતું. આખી ગટર લાલ થઈ ગઈ અને આ તસવીરો જોઈને સુપરપાવર અમેરિકા ગુસ્સાથી લાલચોળ થઈ ગયું.

(12:45 am IST)