Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ત્રીજા દિવસની રમતના અંતે ચેતેશ્વર પુજારા 91 અને વિરાટ કોહલી 45 રને દાવમાં :ભારત 2 વિકેટે 215 રન

ભારતને હજુ લીડને પાર પાડવા માટે 139 રનનું અંતર પાર પાડવાનું છે

ભારત અને ઈંગ્લેન્ડવચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચની આજે ત્રીજા દિવસની રમતમાં ભારતીય ટીમે મુશ્કેલ પડકાર ઝીલ્યો હતો. લીડ્ઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 353 રનની લીડ મેળવી પોતાનો પ્રથમ દાવ સમાપ્ત કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ બીજી બેટીંગ ઈનીંગ દરમ્યાન કસોટીરુપ રમતને પાર પાડી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય ટીમે ત્રીજા દિવસની રમતના અંતે 215 રનનો સ્કોર 2 વિકેટે કર્યો હતો. જોકે હજુ લીડને પાર પાડવા માટે 139 રનનું અંતર પાર પાડવાનું છે.

પ્રથમ દિવસે વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 રન પર સમેટાઈ હતી. ઈંગ્લેન્ડની ટીમનો પ્રથમ દાવ 432 રને સમેટાયો હતો. આજે ત્રીજા દિવસની રમતમાં અંતિમ બંને વિકેટ ઈંગ્લેન્ડના સ્કોર બોર્ડમાં ખાસ રન ઉમેર્યા વિના ઝડપથી પેવેલિયન પરત ફરતા પ્રથમ દાવ સમેટાયો હતો.

 

ભારતીય ઓપનરો કેએલ રાહુલ અને રોહિત શર્માએ વિશાળ લીડને પાર કરવાના ઈરાદે મેદાને ઉતર્યા હતા. પરંતુ કેએલ રાહુલના રુપમાં પ્રથમ વિકેટ ભારતે ગુમાવી હતી. રાહુલે 54 બોલનો સામનો કરીને 8 રન બનાવ્યા હતા. 34 રનના સ્કોર પર ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી.

ચેતેશ્વર પુજારા 91 રનની જબરસ્ત ઈનીંગ રમી હતી. તે દિવસના અંતે માત્ર 9 રનથી જ શતકથી દૂર છે. પુજારાએ શરુઆતથી જ બેટને ખોલીને રમત શરુ કરી મેદાન પર એક બાદ એક બાઉન્ટ્રી લગાવવાની શરુ કરી હતી. તેની રમતે ચાહકોને ખુશ કરી દીધા હતા. તેણે આજના દિવસની રમત દરમ્યાન 15 ચોગ્ગા લગાવ્યા હતા. વિરાટ કોહલીએ 45 રનની ઈનીંગ રમી હતી. આ માટે તેણે 94 બોલનો સામનો કર્યો હતો. કોહલી અને પુજારાએ 99 રનની ભાગીદારી રમત રમી હતી.

રોહિત શર્માએ શાનદાર અર્ધશતક જમાવ્યુ હતુ. તેણે યોગ્ય સમયે ધૈર્યપૂર્ણ રમત દર્શાવી હતી. ભારતીય ટીમ અને ચાહકોની આશાઓના માટે રોહિત શર્માની ટેકા રુપ રમત રહી હતી. રોહિતે 156 બોલની રમત રમીને 59 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના બોલરો ભારતીય બેટ્સમેનો સામે નિષ્ફળ બની રહ્યા હતા. તેઓ રાહુલ અને રોહિત શર્માની એમ બે વિકેટ દિવસભરની રમત દરમ્યાન લઈ શક્યા હતા. રોબીન્સન અને ઓવર્ટને 1-1 વિકેટ મેળવી હતી. ઝાંખા સૂર્ય પ્રકાશને લઈને દિવસની રમતને સમય કરતા વહેલી સમાપ્ત જાહેર કરી દેવામાં આવી હતી.

(11:42 pm IST)