Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ભારતના સંશોધકોએ અંતરિક્ષમાં ત્રણ બ્લેક હોલ શોધ્યા : આકાશગંગાના અસ્તિત્વ માટે મહત્વનું સ્થાન ધરાવતા મોટા બ્લેક હોલ શોધી કાઢવાનું મુશ્કેલ કામ ફ્રાન્સના સહાયકોની મદદથી સિદ્ધ થયું : ભારતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે આપેલી માહિતી

ન્યુદિલ્હી : ભારતના સંશોધકોએ અંતરિક્ષમાં ત્રણ બ્લેક હોલ શોધ્યા છે. જે આકાશગંગાના અસ્તિત્વ માટે મહત્વનું સ્થાન ધરાવે છે. તેને શોધી કાઢવાનું મુશ્કેલ કામ ફ્રાન્સના સહાયકોની મદદથી સિદ્ધ થયું છે.તેવું ભારતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે જણાવ્યું છે.

આ મોટી સાઈઝના બ્લેક હોલ શોધવાનું કામ મુશ્કેલ એટલા માટે છે કે તેમાંથી કોઈપણ પ્રકારનો પ્રકાશ નીકળતો નથી. પરંતુ તે આસપાસના વાતાવરણમાં ફેરફાર કરી પોતાના અસ્તિત્વની જાણ કરે છે.આજુબાજુમાં ફેલાયેલા ગેસ અને ધૂળના રજકણ જયારે બ્લેક હોલની નજીક આવે છે ત્યારે ત્યાં ઉર્જાનું ક્ષેત્ર બની જાય છે.તથા ઈલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશનની સ્થિતિનું નિર્માણ થાય છે.તે વખતે થોડા સમય માટે બ્લેક હોલ પ્રકાશિત થાય છે.ત્યારે તેને ઓળખી શકાય છે.તેવું સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે જણાવ્યું હતું.

આ પ્રકાશને એક્ટિવ ગૈલેક્ટિક ન્યુક્લિઆઈ ( એ.જી.એન.) પણ કહી શકાય છે.જેઓ મોટા પ્રમાણમાં પ્રકાશમય કણ તથા ઉર્જા ફેંકે છે.જે આકાશગંગામાં ચમક પેદા કરે છે. વાતાવરણનું તાપમાન પણ વધારે છે.એમ કહેવાય છે કે આકાશગંગાનું અસ્તિત્વ જાળવી રાખવામાં બ્લેક હોલની ભૂમિકા બહુ મોટી છે.

ભારતીય ખગોળ વિજ્ઞાન સંસ્થાના સંશોધકો સુશ્રી જ્યોતિ યાદવ ,શ્રી મૌસમી દાસ ,તથા શ્રી સુધાંશુ બર્વે એ ફ્રાન્સના સંશોધકો સાથે મળી બે ગેલેક્સી એન.જી.સી. 7733 તથા એન.જી.સી.7734 નો અભ્યાસ કર્યો છે.તેની નજીક મોટા આકારના બ્લેક હોલ જોવા મળ્યા  છે.જેનું સંશોધન પત્ર તાજેતરમાં જ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ નામ સાથે સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલ છે. આ બ્લેક હોલ તથા ગેલેક્સીને મોટા આકારના ટેલિસ્કોપ તથા સાઉથ આફ્રિકામાં લગાડાયેલ ઓપ્ટિકલ ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવ્યા હતા.તેવું જાગરણ દ્વારા જાણવા મળે છે.

(9:25 pm IST)