Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પાક.ના પરમાણુ હથિયાર તાલિબાનના હાથમાં જઈ શકે

અમેરિકન સાંસદોના ગ્રુપ દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ : પાક.ના પરમાણુ હથિયારો તાલિબાનના હાથમાં ના જાય તે નિશ્ચિત કરવા માટે યુએસની શું યોજના છે તેવો સવાલ

વોશિંગ્ટન, તા.૨૭ : અફઘાનિસ્તાનમાં સત્તા પલટો થયા બાદ હવે અમેરિકાના સાંસદોને ચિંતા સતાવી રહી છે કે, પાકિસ્તાનના પરમાણુ હથિયારો તાલિબાનના હાથમાં જઈ શકે છે.

અમેરિકન સાંસદોના એક ગ્રુપ દ્વારા રાષ્ટ્રપતિ જો બાઈડનને અપીલ કરવામાં આવી છે કે, તાલિબાન પાકિસ્તાનને અસ્થિરતા તરફ ધકેલીને પરમાણુ હથિયારો મેળવી ના લે તે માટે સરકાર ધ્યાન રાખે. ૬૮ સાંસદોએ માંગણી કરી છે કે, બાઈડેન સરકાર અફઘાનિસ્તામાં આગળ કઈ યોજના પર કામ કરવા માંગે છે તેનો અને બીજા સવાલોનો જવાબ આપે. તાલિબાન જ્યારે સરહદો પર પોતાના લડાકુઓની સંખ્યા વધારી રહ્યુ છે ત્યારે અમેરિકાની સરકાર પોતાના સહયોગી દેશોને સૈન્ય સમર્થન આપવા માટે તૈયાર છે ખરી? પાકિસ્તાનના પરમાણુ હથિયારો તાલિબાનના હાથમાં ના જાય તે નિશ્ચિત કરવા માટે અમેરિકાની શું યોજના છે ? અમેરિકન સાંસદોએ કહ્યુ છે કે, છેલ્લા બે સપ્તાહમાં દુનિયાએ તાલિબાનોની જંગાલિયત જોઈ છે ત્યારે અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકન સૈનિકોની વાપસીમાં થયેલા વિલંબના કારણે અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

સાંસદોએ વાત પર ચિંતા જતાવી છે કે, અફઘાન મહિલાઓ અને યુવતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. સિવિલ સોસાયટીનુ દમન થઈ રહ્યુ છે અને હજારો અફઘાનીઓ ઘર છોડી રહ્યા છે. ચીન હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે તાલિબાન સાથે સબંધ બનાવી રહ્યુ છે.સાંસદોએ એવો પણ સવાલ પૂછ્યો છે કે, અમેરિકાના હથિયારો પાછા લાવવા માટે અને તે તાલિબાનના હાથમાં ના પડે તે માટે સરકારે શું યોજના બનાવી છે તે જાહેર કરવામાં આવે.

(7:55 pm IST)