Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

હિમાલયના શિખરો પર કબજા માટે ચીની સેનાનો યુધ્ધાભ્યાસ

ભારતના ચેતવણી આપવા માટે ચીનની સેનાની ક્વાયત : ચીનની સેનાની ૧૦ જેટલી ટુકડીઓએ ભાગ લીધો

નવી દિલ્હી, તા.૨૭ : ભારતને ચેતવણી આપવા માટે ચીનની સેનાએ તિબેટમાં હિમાલયના શીખરો પર કબ્જો કરવા માટેનો યુધ્ધાભ્યાસ કર્યો છે.

જેમાં ચીનની સેનાની ૧૦ જેટલી ટુકડીઓએ ભાગ લીધો હતો.ચીનના નિષ્ણાતોનુ કહેવુ છે કે, અભ્યાસ પાછળનો ઈરાદો ભારતને ચેતવણી આપવાનો હતો. કારણકે પહેલા લદ્દાખમાં સર્જાયેલા તનાવ દરમિયાન ભારતીય સેનાની ટુકડીઓએ ઉંચા શીખરો પર કબ્જો કરીને ચીનને ચંકાવી દીધુ હતુ. જેના જવાબમાં ચીને યુધ્ધાભ્યાસ કર્યો હોવાનુ મનાય છે. ચીનના મીડિયાના રિપોર્ટ પ્રમાણે બે દિવસ અને એક રાત ચાલેલા અભ્યાસમાં સેનાને બે પક્ષમાં વહેંચવામાં આવી હતી. જેમાં એક પક્ષ દ્વારા પહાડોના શીખર પર તોપમારો કરવામાં આવ્યો હતો. દરમિયાન દુશ્મન પર નજર રાખવાની પ્રેક્ટિસ પણ કરાઈ હતી. સાથે સાથે એક ટીમે ૬૧૦૦ મીટરની ઊંચાઈ સુધી ચઢાઈ કરી હતી. જેથી હુમલા માટેના સાચા ડેટા જાણી શકાય.

અભ્યાસ દરમિયાન ડ્રોનને તોડી પાડવાની પણ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ચીની સેનાએ માટે ઈલેક્ટ્રોમેગ્નેટિક હથિયારનો પણ ઉપયોગ કર્યો હતો.જ્યારે પોતાના ડ્રોનનો ઉપયોગ દુશ્મન સૈનિકો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. હથિયારબંધ હેલિકોપ્ટરોનો પણ ચોટી પર કબ્જો જમાવવા માટે ઉપયોગ કરાયો હતો.

ચીનના નિષ્ણાતોનુ કહેવુ છે કે, અભ્યાસ થકી ચીને પોતાની તૈયારી બતાવીને ભારતીય પક્ષને ચેતવણી આપી છે.

(7:54 pm IST)