Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

છત્તિસગઢના મુખ્યમંત્રી પદેથી ભૂપેશ બધેલની વિદાયના સંકેત

૭૦ ધારાસભ્યો છતાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ : બઘેલની સામે કોંગ્રેસના બીજા વરિષ્ઠ નેતા ટી એસ સિંહ દેવ પડેલા છે અને તેમની પાસે પણ ધારાસભ્યોનું સમર્થન

છત્તીસગઢ, તા.૨૭ : પંજાબ કોંગ્રેસ બાદ છત્તીસગઢ કોંગ્રેસમાં પણ આતંરિક ઘમાસાણ ચાલી રહ્યુ છે અને હવે છત્તીસગઢ સીએમ પદેથી ભૂપેશ બઘેલની વિદાય થવાના એંધાણ મળી રહ્યા છે. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની સામે કોંગ્રેસના બીજા વરિષ્ઠ નેતા ટી એસ સિંહ દેવ પડેલા છે અને તેમની પાસે પણ ધારાસભ્યોનુ સમર્થન છે. બીજી તરફ રાહુલ ગાંધી સાથે બંને નેતાઓ મળવાના છે. મુલાકાત નિર્ણાયક સાબિત થાય તેમ છે.

એક ટીવી ચેનલે કોંગ્રેસના સૂત્રોના હવાલાથી જણાવ્યુ છે કે, રાહુલ ગાંધી પોતે ઈચ્છી રહ્યા છે કે, રાજ્યની કમાન હવે ભૂપેશ બઘેલની જગ્યાએ ટીએસ સિંહ દેવને સોપવામાં આવે. તેમજ સત્તાની હેરફેર કોઈ વિવાદ વગર થવી જોઈએ.

સંજોગોમાં આજે યોજાનારી બેઠક પર બધાની નજર છે. સત્તાનુ હસ્તાંતરણ કોઈ વિવાદ વગર થાય તે જોવાની જવાબદારી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલને આપવામાં આવી છે. જોકે પાર્ટી તરફથી બાબતને હજી કોઈ સમર્થન અપાયુ નથી. નેતાઓને પણ મૌન રહેવાનો આદેશ અપાયો છે. છત્તીસગઢમાં ભાજપની હાર બાદ કોંગ્રેસની સરકાર બની ત્યારે ભૂપેશ બઘેલને સીએમ બનાવાયા હતા પણ હવે એવુ કહેવાઈ રહ્યુ છે કે, ભૂપેશ બઘેલ અને ટી એસ સિંહ દેવ વચ્ચે સીએમ પદ અઢી-અઢી વર્ષ વહેંચવાનુ નક્કી થયુ હતુ.

જોકે ભૂપેશ બઘેલ હજી હાર માનવા માટે તૈયાર નથી.તેમના કેમ્પના ૧૫ ધારાસભ્યોએ ગઈકાલે રાજ્યના પ્રભારી પી એલ પુનિયા સાથે મુલાકાત કરી હતી. બઘેલને બીજા કેટલાક મંત્રીઓનુ પણ સમર્થન છે.

છત્તીસગઢમાં કોંગ્રેસના ૭૦ ધારાસભ્યો હોવા છતા આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે.

(7:50 pm IST)