Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કોરોના કેસ વધતા કેરળ અને મહારાષ્‍ટ્રમાં કેન્‍દ્ર સરકાર દ્વારા રાત્રિ કર્ફયુ લગાવવા નિર્દેશ અપાયા

બાકી રહેતા લોકોને પણ તાબડતોબ વેક્‍સીન આપીને કોરોના મહામારીમાંથી બચાવવા સલાહ આપી

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસને લઈને છેલ્લા એક મહિનાથી થોડી રાહત હતી પરંતુ હવે કેરળ સહિતનાં રાજ્યોમાં વધતાં કેસને જોતાં ફરી ચિંતામાં વધારો થયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિને જોતાં કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે  આ બંને રાજ્યોને પ્રતિબંધ વધારવાની સલાહ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ બંને રાજ્યોને સલાહ આપી છે કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવે.

રાત્રિ કર્ફ્યૂ લગાવવાના નિર્દેશ અપાયા

ગૃહમંત્રાલયે બંને રાજ્યો સાથે બેઠક કર્યા બાદ ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે સંક્રમણમાં વૃદ્ધિને રોકવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂર છે. જે વિસ્તારોમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં રાત્રિનાં સમયમાં કર્ફ્યૂ લગાવવા પર વિચાર કરવામાં આવે. સાથે જ વેક્સિનેશન અભિયાન વધારવા પર પણ જોર આપવામાં આવે.

વધારાની વેક્સિન અપાશે

સાથે સાથે આ બંને રાજ્યોને વધારાની વેક્સિન આપવા માટે પણ કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે જેથી કોરોના વાયરસ પર કાબૂ મેળવી શકાય. નોંધનીય છે કે દેશમાં 61 કરોડથી પણ વધારે ડોઝ આપી દેવામાં આવી છે અને દેશની અડધી વસ્તી એવી છે કે જેને કોરોના વાયરસની વેક્સિન આપી દેવામાં આવી હોય.

કેરળમાં કોરોનાનો કોહરામ

નોંધનીય છે કે ભારતમાં દરરોજ જેટલા નવા કોરોના વાયરસનાં કેસ નોંધાય છે તેમાં મોટા ભાગનાં કેસ કેરળમાંથી સામે આવી રહ્યા છે. કેરળમાં કોરોના વાયરસનાં કેસ છેલ્લા કેટલાય સમયથી ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા જેના કારણે ભારતમાં ત્રીજી લહેરને લઈને ચિંતા વધી ગઈ છે. કેરળની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે. આજે દેશમાં 44,658 નવા કોરોના કેસ સામે આવ્યા હતા.

(5:21 pm IST)