Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

તાલિબાને પાકિસ્તાનને ગણાવ્યુ બીજુ ઘર

તાલિબાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે

કાબુલઃ તાલિબાનના એક પ્રવકતાએ બુધવારે કહ્યું કે પાકિસ્તાન અમારા માટે બીજા ઘર જેવું છે. પાડોશી દેશ સાથે વેપાર અને રણનીતિક સંબંધો મજબૂત કરવા ઈચ્છીએ છીએ. પ્રવકતા જબીહુલ્લાહ મુજાહિદે એ પણ કહ્યું કે તાલિબાન ભારત સાથે સારા સંબંધ ઈચ્છે છે.

પાકિસ્તાનની એઆરવાય ન્યુઝ ચેનલ સાથે ઈન્ટરવ્યુ દરમિયાન મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન પાકિસ્તાનની સાથે પોતાની સરહદ શેર કરે છે. જ્યારે ધર્મની વાત આવે છે તો અમે પરંપરાગત રીતે પરસ્પર જોડાયેલા છીએ. બન્ને દેશના લોકો એકબીજા સાથે મળે છે. એટલે અમે પાકિસ્તાન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવાની આશા રાખીએ છીએ.

તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાન પર કબ્જો મેળવવા માટે તાલીબાનના હુમલામાં પાકિસ્તાનન કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે આ પાડોશી દેશે કયારેય તેમના મામલામાં હસ્તક્ષેપ નથી કર્યો. મુજાહિતે કહ્યું કે પાકિસ્તાન અને ભારતે પોતાના મુદ્દાઓના હલ માટે એક સાથે બેસવુ જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તાલિબાન ભારત સહિત બધા દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. અમારી બસ એટલી જ ઈચ્છા છે કે ભારત અફઘાન લોકોના હિતોને ધ્યાનમાં રાખીને પોતાની નીતિઓ નક્કી કરે.

મુજાહિદે કહ્યું કે તાલિબાન કોઈપણ દેશની વિરૂદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ નહીં થવા દે. તાલિબાન પ્રવકતાએ કહ્યું કે કાશ્મીર બાબતે ભારતે સકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે. અફઘાનિસ્તાનમાં સરકારની રચના બાબતે તાલિબાન પ્રવકતાએ કહ્યું કે અમે એવી સરકાર ઈચ્છીએ છીએ જે મજબૂત હોય, ઈસ્લામ આધારિત હોય અને જેમાં બધા અફઘાન સામેલ હોય.

(3:34 pm IST)