Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

હવે ઘરે બેઠા જાણી શકાશે તમારા આધારથી કેટલા સિમ કાર્ડ ઇસ્યુ થયા છે

હાલમાં આ સેવા માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના યુઝર્સ માટે

નવી દિલ્હીઃ તા.૨૭: શું તમે જાણો છો કે હવે તમે તમારા આધાર કાર્ડ સાથે નોંધાયેલા તમામ મોબાઇલ ફોન નંબરો ચેક કરી શકો છો? તમે દૂરસંચાર વિભાગ (DoT)ની નવી વેબસાઇટ પરથી આ નંબરો ચેક કરી શકો છો.

DoTએ હાલમાં એક પોર્ટલ ટેલિકોમ એનાલિટિકસ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર પ્રોટેકશન (TAFCOP) લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા યુઝર્સતેમના આધાર નંબર સાથે જોડાયેલા તમામ ફોન નંબર ચકાસી શકે છે. આ ખૂબ જ ઉપયોગી પોર્ટલ છે.

આ વેબસાઈટ દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર અત્યાર સુધીમાં કેટલા સિમ આપવામાં આવ્યા છે. જો તમારી જાણ વગર કોઈ પણ મોબાઈલ નંબર તમારા આધાર નંબર સાથે જોડાયેલો હોય તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો. આ સિવાય તમે તમારા જૂના અને અનયુઝડનંબરને તમારા આધારથી સરળતાથી અલગ કરી શકો છો. હાલમાં આ સેવા માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના યુઝર્સ માટે છે, પરંતુ ટૂંક સમયમાં જ તેને દેશભરના યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

 આ રીતે જાણો સીમ કાર્ડની સંખ્યા

આધાર સાથે જોડાયેલા મોબાઇલ સિમ વિશે જાણવા માટે પહેલાં https://tafcop.dgtelecom.gov.in/ પર જવું પડશે.

અહીં તમારે તમારો ફોન નંબર દાખલ કરવો પડશે.

આ પછી તમારે Request OTP બટન પર કિલક કરવાનું રહેશે.

આ પછી તમારે તમારા મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરવો પડશે.

ત્યારબાદ તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમામ નંબરો વેબસાઈટ પર દેખાશે.

જ્યાંથી યુઝર્સ એ નંબરોની રિપોર્ટ અને બ્લોક કરી શકે છે. જે તેઓ ઉપયોગ નથી કરતા અથવા જેની હવે જરૂર નથી.

(3:33 pm IST)