Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

'ત્રીજી લહેરની વાતો માત્ર કાલ્પનિક : ૧૨ વર્ષથી ઓછી વયના બાળકો માટે ગંભીર નથી કોરોના'

ટોચના એપિડેમિઓલોજિસ્ટ ડો. જયપ્રકાશ મુલિયિલનો દાવોઃ મોટાભાગના લોકોમાં એન્ટિબોડી વિકસી ચૂકયા છે ત્યારે ત્રીજી વેવના દાવા પાયાવિહોણા : શરીરમાં ઈમ્યુનિટી વર્ષો સુધી રહે છેઃ જેથી બુસ્ટર ડોઝ લેવાની પણ કોઈ જરૂરિયાત હાલ નથીઃ ૧૨ વર્ષથી નીચેની વયના બાળકોમાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ એક લાખે માત્ર એક જેટલું: જેથી ડરવાની જરૂર નથીઃ જેમ વેકિસનેશનનો વ્યાપ વધશે તેમ કોરોનાથી થતાં મોતનું પ્રમાણ પણ ઘટતું જશે

બેંગલુરુ, તા.૨૭: કોરોનાનો ચેપ લાગી ગયા બાદ લોકોને કવોરન્ટાઈન કે આઈસોલેશનમાં રાખવા તેના કરતા દેશમાં તેના લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટિંગ પર વધુ ધ્યાન આપવું જરુરી છે. તેનાથી કોરોનાનો મૃત્યુઆંક ઓછો કરવામાં મોટી મદદ મળશે. આ મત છે ડો. જયપ્રકાશ મુલિયિલનો, જેઓ નેશનલ ઈન્સ્ટિસ્યૂટ ઓફ એપિડેમિઓલોજીની સાયન્ટિફિક એડવાઈઝરીના ચેરમેન તેમજ દેશના ટોચના એપિડેમિઓલોજિસ્ટ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે ખાસ વાત કરતા ડો. જયપ્રકાશે જણાવ્યું હતું કે, વેકિસનના બે ડોઝ લીધા બાદ બુસ્ટર ડોઝ લેવાની કોઈ જરુર નથી. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ત્રીજી લહેર માત્ર કાલ્પનિક વાતો છે, અને બાળકોને તેમાં કોઈ ખતરો નથી. હાલ દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આપણી લડત સાચી દિશામાં આગળ વધી રહી છે. સમય જતાં વાયરસનો પ્રસાર વધુ મંદ પડશે. આપણું સમગ્ર ધ્યાન મૃત્યુદર દ્યટાડવા પર હોવું જોઈએ. ૬૦દ્મક વર્ષથી વધુ વય ધરાવતા દર્દીઓમાં હજુય મૃત્યુદર વધારે છે, પરંતુ જેમ-જેમ લોકો વેકિસન લેતા થશે તેમ-તેમ મૃત્યુદર નીચો આવશે. આમ, આવનારા દિવસોમાં કોરોના કોઈ ચિંતાનું કારણ નહીં રહે.

કોરોનાનો ડર મનમાંથી કાઢી નાખવાની સલાહ આપતા ડો. જયપ્રકાશે જણાવ્યું હતું કે, જો તેનાથી ડરતા રહીશું તો આપણે કંઈ હાંસલ નહીં કરી શકીએ. તેમણે વારંવાર લોકોને RTPCR ટેસ્ટ ના કરાવવાની પણ સલાહ આપી હતી. જે લોકોમાં કોરોનાના લક્ષણ દેખાતા હોય માત્ર તેમને જ આ ટેસ્ટ કરાવવો જોઈએ તેના પર તેમણે ખાસ ભાર મૂકયો હતો. જયાં પોઝિટિવિટી રેટ ઓછો છે ત્યાં ઝડપથી વેકિસનેશન થવું જોએ તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે કોરોનાના દર્દીને આઈસોલેટ કે કવોરન્ટાઈન કરવાનો સમય પણ ચાલ્યો ગયો છે.

ગયા વર્ષે કોઈકે કહ્યું હતું કે મે મહિના સુધીમાં ભારત કોરોનામુકત થઈ જશે. જોકે, આ બધા ખોટા દાવા છે. બહોળો પ્રસાર ધરાવતા વાયરસમાંથી એટલી સરળતાથી મુકત નથી થઈ શકાતું. વાયરસમાંથી મુકત થવાની આપણી માનસિકતા હજુય ૨૦૨૦ જેવી જ છે. એક વાત સમજવી જરુરી છે કે, વાયરસ આપણને કોઈ નુકસાન ના કરે તો તેનાથી ડરવાની કે ચિંતિત થવાની જરુર નથી. દેશની ૮૦ કરોડથી વધુની વસ્તીમાં ઈમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે ત્યારે હવે કોરોનાના દર્દીને આઈસોલેટ કરવાની પણ જરુર નથી.

આ પ્રશ્નનો જવાબ આપતા ડો. જયપ્રકાશે જણાવ્યું હતું કે જે લોકોને કુદરતી રીતે વાયરસનો ચેપ લાગ્યો હતો તેમનામાં તેની સામે લડવાની શકિત વર્ષો સુધી ટકી રહે છે. રિસર્ચમાં એવા પુરાવા પણ મળ્યા છે કે કુદરતી ચેપથી શરીરમાં સર્જાયેલી આજીવન ટકી રહે છે. આપણે આશા રાખી શકીએ કે વેકિસન દ્વારા પ્રાપ્ત થયેલી ઈમ્યુનિટી પણ લાંબો સમય ટકી રહેશે. તેમણે એ વાતની પણ ખાસ સલાહ આપી હતી કે કોઈએ પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવીને તેના દ્યટી ગયેલા લેવલ પર ચિંતા ના કરવી જોઈએ. આપણા શરીરને જયારે એન્ટિબોડીની જરુર પડે ત્યારે તેનું પ્રમાણ કુદરતી રીતે જ વધી જાય છે. શરીર પર વાયરસ અટેક કરે ત્યારે મેમરરી સેલ એન્ટિબોડીનું ઉત્પાદન કરતા હોય છે.

જે લોકોને વેકિસન લીધા બાદ પણ કોરોના થયો છે તેમને કદાચ તેની સામે કુદરતી રીતે લડવાની શકિત પ્રાપ્ત કરવાની તક મળી છે. વેકિસન લીધા બાદ ચેપ લાગે તો ઈમ્યુનિટી કુદરતી રીતે બૂસ્ટ થાય છે. જોકે, તેના પર હજુ વધુ રિસર્ચની જરુર છે. પરંતુ વેકિસન લીધા બાદ ચેપ લાગે તો એમ ના માની લેવું કે વેકિસને કોઈ અસર નથી બતાવી. વેકિસનનો મૂળભૂત હેતુ કોરોનાનો મૃત્યુદર ઓછો કરવાનો છે. વેકિસન લીધા બાદ વાયરસ જયારે શરીરમાં પ્રવેશે છે કેટલાક લોકોમાં શરુઆતના તબક્કામાં તેની સામે લડવા માટે પૂરતા પ્રમાણમાં એન્ટિબોડી નથી સર્જાતા. પરંતુ શરીરની રિસ્પોન્સ સિસ્ટમ ખૂબ જ સ્માર્ટ છે, તે એવા સમયે વાયરસ સામે લડવાનું શરુ કરે છે કે પેશન્ટને ICUમાં રહેવાનો વારો ના આવે. આપણે વાયરસને ગળામાં પ્રવેશતો ના અટકાવી શકીએ, પરંતુ શરીરને ખબર છે કે તેની સામે કઈ રીતે લડવું.

ડો. જયપ્રકાશના મતાનુસાર ત્રીજી વેવને બાળકો સાથે સાંકળવાની વાત કોઈના દ્વારા રમાયેલી રમતથી વિશેષ કંઈ નથી. તેના હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા. ૧૨ વર્ષથી ઓછી વયના બાળકનું કોરોનાથી મોત થાય તેવી શકયતા અત્યંત દુર્લભ છે. એક લાખ દર્દીમાં આવો માંડ એકાદ કેસ બનતો હશે. જે બાળકોના કોરોના થયા બાદ મોત થયા છે, તેમના મોતનું કારણ કોરોના જ હોય તે જરુરી નથી. અન્ય કોઈ ગંભીર બીમારીને લીધે પણ આમ બની શકે. પરંતુ મોટાભાગની હોસ્પિટલો તેનું કારણ જાણવા જેટલો અનુભવ નથી ધરાવતી. ૨૦૨૦માં દેશમાં જયારે પહેલો સીરોસર્વે થયો ત્યારે ૨૪ ટકા લોકોમાં એન્ટિબોડી મળ્યા હતા, જે હવે વધીને ૬૭ ટકા થઈ ગયા છે. ગયા વર્ષે વાયરસને પ્રસરવાની વધુ તક હતી, જે હવે દ્યટી ગઈ છે. દેશમાં છૂટાછવાયા સ્થળોએ કેસોમાં કયારેક વધારો દેખાતો રહેશે, પરંતુ ત્રીજા વેવની વાતો માત્ર કાલ્પનિક છે. વેવ ત્યારે જ આવી શકે જયારે વાયરસના સંપર્કમાં ના આવેલા લોકોની સંખ્યા ખૂબ જ ઉંચી હોય. પરંતુ આવા લોકો કોઈ એક ખૂણામાં સાથે તો રહેતા નથી. જેથી ત્રીજા વેવનો ડર ના રાખવો જોઈએ.

(3:28 pm IST)