Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

આઈટી રૂલ્સ 2021ને વ્હોટ્સ એપનો પડકાર : સૌપ્રથમ મેસેજ મુકનારનું નામ જણાવવું તે બાબત ગેરબંધારણીય અને લોકોના ગોપનીયતાના મૂળભૂત અધિકારના ભંગ સમાન : દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન અનુસંધાને નામદાર કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારના આઈટી રૂલ્સ 2021ને વ્હોટ્સ એપ અને તેની પેરેન્ટ કંપની ફેસબુકે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. જેમાં જણાવાયું છે કે સૌપ્રથમ મેસેજ મુકનારનું નામ જણાવવું તે બાબત ગેરબંધારણીય અને લોકોના ગોપનીયતાના મૂળભૂત અધિકાર વિરુદ્ધ છે . કારણ કે તે ખાનગી કંપનીઓને "કોણે શું કહ્યું અને કોણે-શું-શેર કર્યું"  તેવો ડેટા એકત્રિત કરવા અને સંગ્રહિત કરવા માટે દબાણ કરશે.

દિલ્હી હાઇકોર્ટે ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહએ આજે વોટ્સએપ ઇન્ક અને તેની પેરેન્ટ કંપની ફેસબુક દ્વારા દાખલ કરાયેલી અરજીઓના અનુસંધાને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021ને પડકારવામાં આવ્યા છે તે અંગે ખુલાસો માંગ્યો છે. તથા નોટિસનો જવાબ આપવા માટે 22 ઓક્ટોબર સુધીની મુદત આપવામાં આવી છે.

મેસેજિંગ પ્લેટફોર્મે દલીલ કરી છે કે IT નિયમો, 2021 હેઠળ આવી જરૂરિયાત ગેરબંધારણીય છે અને લોકોના ગોપનીયતાના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે તથા કલમ 19 અને 21 ના ભંગ સમાન છે. જે બાબત જસ્ટિસ કે.એસ. પુટ્ટાસ્વામી વિ યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા રેખાંકિત કરવામાં આવી છે.

પિટિશનમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે "નિર્દોષ લોકો તપાસમાં ફસાઈ શકે છે, અથવા તો જેલમાં પણ જઈ શકે છે. પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ કોઈપણ દેશમાં આવી જોગવાઈ નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:09 pm IST)