Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ગરીબીથી તંગ આવી ગયેલા ખેડૂતની વ્યથા

સામાન્ય પાકથી કમાણી થતી નથીઃ મને ગાંજો ઉગાડવાની મંજુરી આપોઃ ખેડુતનો કલેકટરને પત્ર

મુંબઇ, તા.૨૭: મહારાષ્ટ્રમાં એક ખેડૂત કલેકટરને વિચીત્ર અરજ કરી છે. તેણે આવક ઓછી હોવાનો હવાલો આપીને કહ્યું કે તેને ગાંજાની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે.

સોલાપુરના ખેડુત અનિલ પાટીલે પોતાના ખેતરમાં ગાંજો ઉગાડવાની  પરવાનગી માંગતા જીલ્લા પ્રશાસનને પત્ર લખ્યો છે. ખેડૂતે કહ્યું કે બજારમાં ગાંજાના સારા ભાવ મળે છે. જયારે અન્ય કોઇ પણ ઉપજના ભાવ નિશ્ચત નથી. જીલ્લા પ્રશાસને ખેડૂતની અરજી પોલીસ પાસે મોકલી આપી છે અરજી બાબતે પોલીસે કહ્યું કે આ પબ્લીસીટી સ્ટંટ છે.

આ ખેડૂતે દાવો કર્યો છે કે બજારમાં ગાંજાના ભાવ સારા આવે છે એટલે તેને પોતાની બે એકર જમીન ગાંજાની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે. અનિલ પાટીલે જીલ્લા પ્રશાસનને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં પરવાનગી આપવા પણ કહ્યું છે. આવું નહી થાય તો તેને પરવાનગી મળી ગઇ છે એવું માનીને તે ૧૬ સપ્ટેમ્બરથી ગાંજાની ખેતી શરૂ કરી દેશે.

ખેડૂતે અરજીમાં આગળ લખ્યુ છે કે જો મરા વિરૂધ્ધ ગાંજાની ખેતી માટેનો કોઇ કેસ નોંધાશે તો જીલ્લા પ્રશાસન તેના માટે જવાબદાર ગણાશે. જો કે મોહોલ પોલિસ સ્ટેશનમાં સીનીયર ઇન્સપેકટર અશોક સૈકરે કહ્યું કે ખેડૂતની આ અરજી ફકત પબ્લીસીટી સ્ટંટ છે. તેમણે કહ્યું કે જો સુનીલ પાટીલ ગાંજાની ખેતી કરશે તો પોલીસ તેની સામે કેસ નોંધીને આગળની કાર્યવાહી કરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં ગાંજાની ખેતી નાર્કોટ્રીક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબ્સ્ટેન્સ (એનડીપીએસ) અધિનિયમ હેઠળ પ્રતિબંધિત છે. તેના હેઠળ બે પ્રકારે સજાની જોગવાઇ છે. જો જથ્થો ઓછો હોય તો છ મહિનાથી એક વર્ષની જેલની સાથે ૧૦ હજાર સુધીનો દંડ થઇ શકે છે. જો જથ્થો વધારે હોય તો ઓછામાં ઓછો એક લાખનો દંડ અને સાથે ૨૦ વર્ષની સખત કેદની સજા થઇ શકે છે.

(12:58 pm IST)