Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સારૂ પરિણામ મેળવવા માટેના પાસા ઉંધા પડયા

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના અગાઉ 'પાસ' થયેલા ૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી 'નાપાસ' થયા

રિઝલ્ટથી સંતુષ્ટ ન હોય તો ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૫૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતીઃ જેમાંથી ૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા હતા

અમદાવાદ, તા.૨૭: પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ૧૨થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, કેટલાક વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા આપીને સારું પરિણામ મેળવવા માટેના પાસા ઊંધા પડ્યા છે. માસ પ્રમોશનમાં પાસ થયેલા ૧૬ જેટલા વિદ્યાર્થીઓ થોડા દિવસ પહેલા આપેલી પરીક્ષામાં નાપાસ થયા છે. જેના કારણે આ વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડશે.

ધોરણ ૧૨ સાયન્સમાં મળેલા માસ પ્રમોશનનું રિઝલ્ટ જમા કરાવીને ફરીથી પરીક્ષા આપનારા ૫૪ વિદ્યાર્થીઓમાંથી ૩૮ પાસ થયા છે. આમ, તેનુ પરિણામ ૭૦.૩૭ ટકા જાહેર થયું હતું.પાસ થયેલા વિદ્યાર્થીઓમાં એ ગ્રુપના ૩૩ અને બી ગ્રુપના ૫ વિદ્યાર્થીઓન સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે સરકારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને પરિણામ તૈયાર કરવા માટે કમિટીની રચના કરી હતી. આ કમિટીએ નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જો કે, આ પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા ઓગસ્ટ મહિનામાં યોજાઈ હતી. રિઝલ્ટથી સંતુષ્ટ ન હોય તેવા ૬૫ વિદ્યાર્થીઓએ રિઝલ્ટ સ્કૂલમાં જમા કરાવીને લેખિત પરીક્ષા આપવાની તૈયારી કરી હતી.

પરીક્ષામાં ૫૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેમાંથી ૩૮ પાસ થવામાં સફળ રહ્યા હહતા. જયારે ૧૬ વિદ્યાર્થીઓ જેઓ અગાઉના રિઝલ્ટમાં પાસ હતા, આ વખતે નાપાસ થયા હતા.

ગ્રુપ પ્રમાણે રિઝલ્ટ જોઈએ તો, એ ગ્રુપમાં ૪૨ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થિની નોંધાઈ હતી. પરીક્ષા વખતે ૩૬ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. તેમાંથી ૩૧ વિદ્યાર્થીઓ અને ૨ વિદ્યાર્થિનીઓ પાસ થવામાં સફળ રહી હતી. આમ એ ગ્રુપમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૮૬.૧૧ ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ ૬૬.૬૭ ટકા આવ્યા હતું.

બી ગ્રુપમાં ૧૨ વિદ્યાર્થીઓ અને ૭ વિદ્યાર્થિનીઓ પરીક્ષા માટે નોંધાઈ હતી. પરીક્ષા આપતી વખતે ૧૧ વિદ્યાર્થીઓ અને ૪ વિદ્યાર્થિની હાજર રહી હતી. જેમાંથી ૪ વિદ્યાર્થીઓ અને ૧ વિદ્યાર્થિની પાસ થઈ છે. આમ બી ગ્રુપમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૩૬.૩૬ ટકા અને વિદ્યાર્થિઓનું પરિણામ ૨૫ ટકા રહ્યું હતું.

(11:46 am IST)