Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નગર નિગમનો વિચિત્ર નિયમઃ લગ્ન કર્યા વગરના કપલ્સે પાર્કમાં આવવાની મનાઈઃ બગીચામાં આવા લોકો કરે છે શરમજનક પ્રવૃતિઓ

હૈદ્રાબાદ, તા.૨૭: હૈદરાબાદ નગરનિગમને એક અઠવાડીયાથી લોકોનો ગુસ્સો સહન કરવો પડી રહ્યો છે. કારણ કે ઈંદિરા પાર્કમાં અવિવાહિત લોકો માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, બે દિવસ બાદ નગરનિગમને આ નિર્ણય બદલવો પડ્યો હતો. વિવાદનું કારણ પાર્કનું સંચાલન કરતા લોકો દ્વારા લગાવામાં આવેલુ બેનર હતું. બેનરમાં કહેવામાં આવ્યુ હતું કે, લગ્ન કર્યા વગરના કપલ્સને પાર્કમાં આવવાની મનાઈ છે. બેનરની તસ્વીરો સો. મીડિયા પર વાયરલ થઈ ગઈ. જેને લઈને નગર નિગમની ચારેબાજૂ ફજેતી થઈ. લોકોનું કહેવુ છે કે, આ મોરલ પુલિલિંગની એક નવી મિસાલ છે.

આ પછી ગુરુવારે બેનર હટાવી દેવામાં આવ્યું હતું. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ સ્વીકાર્યું કે તે 'ખોટો શબ્દ' છે. જો કે, તેમણે તેની પાછળના ઇરાદાનો બચાવ કર્યો. મહાનગરપાલિકાની શહેરી જૈવવિવિધતા વિંગના નાયબ નિયામક જે. મુરલીધરે કહ્યું કે બેનર લગાવવાનો નિર્ણય નાગરિકોને પૂછ્યા બાદ લેવામાં આવ્યો હતો. લોકો દ્વારા યુગલો વિશે ફરિયાદ કરવામાં આવી હતી. લોકોએ જાણ કરી હતી કે યુગલો પાર્કમાં અભદ્ર શારીરિક પ્રવૃત્તિ કરે છે.

તેમણે કહ્યું કે આ હેતુ મેસેજ આપવાનો હતો કે જાહેર ઉદ્યાનોમાં પ્રજાએ 'યોગ્ય વર્તન' રાખવું જોઈએ. અધિકારીએ કહ્યું, 'અમે દંપતીઓને જાહેરમાં આવા અપમાનજનક વર્તનથી રોકવા માટે બધું જ અજમાવ્યું છે,  તેઓ એકબીજાને ગળે લગાવી રહ્યા છે, શારીરિક રીતે પ્રેમ વ્યકત કરી રહ્યા છે... શું આ બધું જોવું શરમજનક નથી'?

તેમણે કહ્યું, 'બાળકો, વરિષ્ઠ નાગરિકો અને પરિવારો પાર્કમાં આવે છે – અમને આ બાબતે ફરિયાદો મળી છે. હકીકતમાં, જયારે અમે એક બેનર લગાવ્યું – અમને નાગરિકો તરફથી ઘણા કોલ મળ્યા, જે અમારો આભાર પણ માને છે. શહેરના મધ્યમાં સ્થિત ઇન્દિરા પાર્ક, હૈદરાબાદના સૌથી પ્રાચીન ઉદ્યાનોમાંનું એક છે, અને એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. તેનું નામ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

મુરલીધરે કહ્યું, 'પાર્કની પ્રતિષ્ઠા જાળવવાની જવાબદારી આપણી છે. જો આપણે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરીએ તો – પાર્ક આવી વસ્તુઓ માટે કુખ્યાત બનશે.' તેમણે કહ્યું કે પાર્કમાં ભાગ્યે જ ચાર સિકયુરિટી ગાર્ડ છે અને તેમના માટે કપલ પર નજર રાખવી મુશ્કેલ છે, તેથી જ બેનર લગાવવામાં આવ્યા હતા.

(11:43 am IST)