Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

એક સપ્ટેમ્બરથી વેચાનાર દરેક વાહન માટે ફુલ વીમો જરૂરીઃ મદ્રાસ હાઇકોર્ટ

ટ્રીબ્યુનલના આદેશને રદ કરીને વીમાધારકોને કોઇ રાહત ના આપીઃ વાહનનો ફકત થર્ડ પાર્ટી વીમો જ કરાવેલ હતો

ચેન્નઇ, તા.૨૭: મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું કે એક સપ્ટેમ્બરથી વેચાનાર બધા નવા વાહનો માટે બંપર ટુ બંપર વીમો જરૂરી હોવો જોઇએ. આ વીમો વાહનચાલક, તેમાં સવાર મુસાફરો અને વાહન માલિકને કવર કર્યા પછી અલગથી પાંચ વર્ષ માટે ઉમેરવો જોઇએ.

આ મુદત પછી વાહન માલિકે વાહનચાલક, મુસાફરો, થર્ડ પાર્ટી અને પોતાના માટે પણ સાવધાની રાખવી જોઇએ કેમ કે અત્યારે પાંચ વર્ષથી વધારે બંપર ટુ બંપર વીમાની જોગવાઇ નથી.

જસ્ટીસ એસ વૈદ્યનાથને કહ્યું કે આમ કરવાથી વાહન ચાલક પર બિન જરૂરી બોજ નહીં આવે. તેમણે આ ચુકાદો ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ, અવલયુનદુરાઇ દ્વારા કરાયેલ એક અરજી માટે આપ્યો.

અરજીમાં મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલની ખાસ જીલ્લા અદાલત દ્વારા ૭ ડીસેમ્બર ૨૦૧૯ના દિવસે અપાયેલ હુકમને પડકારાયો હતો. તેમાં કહેવાયું હતું કે સંબંધિત કેસમાં લેવાયેલ વીમા પોલીસી ફકત એવા જોખમને કવર કરે છે જે થર્ડ પાર્ટી દ્વારા થાય છે, વાહનમાં બેસેલા મુસાફરો માટે નહીં.

વાહન બેસનારા લોકો માટે કાર માલિક વીમા કંપનીને વધારાનું પ્રીમીયર ચુકવીને કવરજેજ મેળવી શકે છે. ટ્રીબ્યુનલે આ કેસમાં ૪ લોકોને ૧૪.૬૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોટ.ર્ ટ્રીબ્યુનલનો આદેશ રદ કરીને વીમાધારકને કોઇ રાહત ના આપી કેમ કે જે વાહનમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેનો ફકત થર્ડ પાર્ટી વીમો જ હોત. હાઇકોર્ટે તેને દુઃખદ ગણાવીને કહ્યું કે કાર ખરીદનારાઓ વીમાની શરતો બરાબર વાંચતા નથી અને વીમો વેચનારા તેમને જણાવતા નથી. લોકો પોતાની કારના પરફોર્મન્સ માટે ચિંતા  કરે છે પણ ખરેખર તો તેમણે વીમા પોલીસી બાબતે વધારે ગંભીર થવું જોઇએ. કાર ખરીદનારાઓ મોટી રકમ ચુકવીને વાહન ખરીદે છે. પણ આર્શ્ચય એ વાતનું છે કે વીમા બાબતે તેઓ એટલો રસ નથી દાખવતા જે તેમને અને તેમના વાહનને વધારે સુરક્ષા આપી શકે છે

(11:43 am IST)