Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ શરૂ કરશે 'દેશ કે મેન્ટોર' કાર્યક્રમ: સોનૂ સૂદ હશે બ્રાન્ડ એમ્બેસેડર

ફિલ્મ અભિનેતા સોનૂ સૂદ સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા: પંજાબની ચૂંટણી પહેલા મુલાકાતથી અટકળ

નવી દિલ્હી : ફિલ્મ અભિનેતા સોનૂ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તે એક ઔપચારિક મુલાકાત હોવાનું કહેવામાં આવે છે. જોકે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આ મુલાકાત પંજાબની ચૂંટણી સાથે સંબંધિત હોઈ શકે છે.

ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન સોનૂ સૂદે દેશનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. તે સમયે પ્રવાસી મજૂરો ચાલતા પોતાના ઘરે જવા મજબૂર બન્યા હતા ત્યારે સોનૂ સૂદે આગળ આવીને પોતાના સ્તરે તેમની બનતી મદદ કરી હતી. ખાવાથી લઈને તેમને ઘરે પહોંચાડવા માટે બસો, ટ્રેનોમાં ટિકિટની વ્યવસ્થા કરી હતી.

ત્યારથી સોશિયલ મીડિયા પર સતત મદદ માટે સોનૂ સૂદનો સંપર્ક કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેર વખતે પણ સોનૂ સૂદે લોકોને ઓક્સિજન વગેરે વસ્તુઓ પહોંચાડીને તેમની મદદ કરી હતી. ત્યારે સોનૂ સૂદ સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દિલ્હી સરકાર 'દેશ કે મેન્ટોર' એટલે કે, દેશનો માર્ગદર્શક નામનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે તેનો બ્રાન્ડ એમ્બેસેડર સોનૂ સૂદ હશે તેવી જાહેરાત કરી હતી.

(11:08 am IST)