Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સત્તાવાર કરતા પાંચ ગણા વધુ મોત થયાનો ખુલાસો : એપ્રિલ મહિનામાં એટલા મોત થયા છે વર્લ્ડ રેકોર્ડ થઇ ગયો

ગુજરાતમાં કોરોનાનો સાચો મૃત્યુઆંક છુપાવાયો

રાજ્યમાં ૧૬૨ નગરપાલિકાઓમાંથી ૫૪ના આંકડા સમગ્ર રાજ્યના સત્તાવાર મરણાંકથી ઘણા વધુ છે : એપ્રિલમાં ૪૮૦ ટકા વધુ મોત નોંધાયા : દૈનિક નવા કેસ ૨૪૦૦થી ૬ ગણા વધીને મહિનાના અંતે ૧૪૦૦૦ થયા'તા 'ધ ટેલીગ્રાફ'નો અહેવાલ

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના વાયરસનું સંક્રમણ હજુ પણ ખતમ નથી થયું. બીજી લહેર જ્યારે પોતાના પીક પર હતી ત્યારે આખા દેશમાં સંક્રમણના કેસ અને મોતનો આંકડો ઝડપથી વધ્યો હતો. ગુજરાતમાં પણ આવું જ થયું હતું પણ તેમ છતાં સરકારે કોરોનાથી મરનારાઓના સાચા આંકડા છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતનો ખુલાસો એક અભ્યાસમાં થયો છે.

'ધ ટેલીગ્રાફ'ના એક રિપોર્ટ અનુસાર એક અભ્યાસમાં દાવો કરાયો છે કે, ગુજરાતમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો છૂપાવાયો છે. રિસર્ચરોએ ગુરૂવારે જાહેર કરેલ અભ્યાસમાં કહ્યું કે, ગુજરાતની ૧૬૨ નગરપાલિકાઓમાંથી ૫૪ના આંકડા આખા રાજ્યની ઓફીશ્યલ કોરોના મોતની સંખ્યાથી ઘણા વધારે છે. અભ્યાસમાં દાવો કરાયો છે કે, એપ્રિલ-૨૦૨૧માં ગુજરાતમાં ૪૮૦ ટકા વધારે મોત થયા છે. જે દુનિયામાં કયાંય પણ એક મહિનામાં નોંધાયેલ મોતમાં સૌથી વધારે ટકાવારી છે. એપ્રિલ ૨૦૨૦માં ઇકવાડોરમાં કોવિડથી થયેાલ મોતમાં ૪૧૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો. તો એપ્રિલ ૨૦૨૧માં પેરૂમાં ૩૪૫ ટકાનો વધારો થયો હતો. પણ આ એ બંનેથી પણ વધારે છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજ્યના દૈનિક નવા કેસો ૨૪૦૦થી છ ગણા વધીને મહિનાના અંતમાં લગભગ ૧૪૦૦૦ થઇ ગયા હતા. રિસર્ચરોએ આ ડેટા નાગરિક ડેથ રજીસ્ટરમાંથી લીધા છે. તેમના અનુસાર માર્ચ ૨૦૨૦ અને એપ્રિલ ૨૦૨૧ વચ્ચે ૫૪ નગરપાલિકાઓમાં લગભગ ૧૬૦૦૦ વધારે મોત થયા હતા.

ભારતનું આરોગ્ય મંત્રાલય કોરોના મૃત્યુના આંકડાઓ માટે રાજ્યો પર નિર્ભર છે. મંત્રાલયના આંકડાઓ અનુસાર ગુરૂવાર સુધીમાં ૧૦૦૮૦ મોત ગુજરાતમાં થયા છે અને આખા દેશમાં અત્યાર સુધી ૪,૩૬,૦૦૦ મોત થયા છે. બીજી લહેર દરમિયાન મોતમાં ઝડપી વધારો થયો હતો. માર્ચ ૨૦૨૦ પછીથી ૫૪ નગરપાલિકાઓમાં કુલ ૪૪૫૬૮ મોત નોંધાયા હતા. જાન્યુઆરી ૨૦૧૯ અને ફેબ્રુઆરી ૨૦૨૦ વચ્ચેના ગાળાની સરખામણીમાં તે લગભગ ૧૬૦૦૦ વધારે મોત હતા.

(10:51 am IST)