Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નવપરિણીત પત્નીએ લગ્નના ત્રીજા જ મહિને બાળકને જન્મ આપ્યો!

પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની તેમજ સાસરીયાઓએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે : આ મામલે પતિએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે : પતિએ પત્નીને શારીરિક બદલાવ અંગે પૂછતા પત્નીએ ગેસથી પેટ ફૂલતું હોવાનું બહાનું કર્યું હતું

ગાઝિયાબાદ,તા.૨૭: ઉત્ત્।ર પ્રદેશના ગાઝિયાબાદમાં એક નવપરિણી પત્નીએ ત્રીજા જ મહિને બાળકને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિને પત્ની ગર્ભવતી હોવોની શંકા લગ્ન પહેલા જ હતી પરંતુ પત્નીએ થોડો સમય બહાના બતાવીને વાત ટાળી હતી. પત્નીના શારીરિક બદલાવ અંગે પૂછતા પત્નીએ થોડા દિવસ એમ કહીને વાત ટાળી હતી કે તેને ગેસને લીધે પેટ ફૂલવાની તકલીફ છે. પત્નીની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરાવવામાં આવતા તે ગર્ભવતી હોવાનું પતિને માલુમ પડ્યું હતું. લગ્નના ત્રણ મહિનામાં જ પત્નીએ બાળકને જન્મ આપતા પતિએ તેની પત્ની તેમજ સાસરીયા વિરુદ્ઘ વિશ્વાસઘાત કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો.

ચાલુ વર્ષે ૧૮ માર્ચના રોજ લોહિયાનગરની એક યુવતીના લગ્ન મોહનનગર સ્થિત એક યુવક સાથે થયા હતા. લગ્નના થોડા જ સમયમાં નવપરિણીતાનું પેટ બહાર આવતું દેખાયું હતું. પતિએ આ અંગે પત્નીને સવાલ કર્યો હત તો પત્નીએ તેને ગેસની તકલીફ હોવાનું જણાવ્યું હતું. પત્નીએ બહાનું કાઢતાં કહ્યું કે, તેને ગેસને લીધે પેટ ફૂલવાની સમસ્યા છે. પત્નીના આ જવાબથી પતિએ થોડા મહિનાઓ માટે વાત ટાળી દીધી હતી.

મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચેલા પતિએ જણાવ્યું કે લગ્નના એક મહિના પછી તેની પત્નીએ તે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. આ વાતથી પતિ ખુશ થયો હતો. જો કે તે સમયે કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી એટલા માટે પત્નીને ઘરની બહાર લઈ જવી સુરક્ષિત ન હોવાથી તેણે વીડિયો કોલ દ્વારા ડોકટરનો સંપર્ક કર્યો હતો. ડોકટરે જે દવાઓ જણાવી તે પત્નીને નિયમિત આપતો હતો. ૨૨ જૂને પતિ પત્નીને કિલનિક પર લઈ ગયો હતો. ડોકટરે ત્યાં ચેકઅપ કરીને જણાવ્યું કે તેની પત્નીને આઠ મહિનાનો ગર્ભ છે. ડોકટરે વધુમાં જણાવ્યું કે ડિલીવરી ગમે ત્યારે થઈ શકે છે.

ડોકટરની વાત સાંભળીને પતિના હોશ ઉડી ગયા હતા. તે વખતે તેમના લગ્નને હજુ માંડ ત્રણ મહિના જ થયા હતા. પતિએ આ મામલે પત્નીને સવાલ પૂછ્યો હતો અને મોટો ઝઘડો થયો હતો. પતિએ ઝઘડો કરતાં પત્નીએ તેના માતા-પિતાને બોલાવ્યા હતા અને તે પીયર પરત ફરી હતી. ૨૬ જૂને તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની તેમજ સાસરીયાઓએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ મામલે પતિએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ સમગ્ર કેસમાં પત્ની ખૂબ જ તણાવમાં ફસડાઈ પડી હોવાનું પણ જણાયું છે.

(10:26 am IST)