Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

દુકાનદાર ગ્રાહક પાસેથી બેગના નાણા વસૂલી શકે નહીં

દુકાનદારને ગ્રાહક પાસેથી બેગના આઠ રૂપિયા વસૂલવા જતાં ચાર હજારનો દંડ ભરવાનો આવ્યો : માલવેચાણના નિયમ મુજબ ગ્રાહકને સલામત માલ પહોંચતો કરવાની વેચનારની જવાબદારી

જોધપુર,તા.૨૭: રાજસ્થાનમાં જોધપુર જિલ્લા ગ્રાહક ફોરમે એક ચુકાદામાં જણાવ્યું હતું કે ગ્રાહકને વેચવામાં આવેલા સામાનને સલામત સ્થિતિમાં ડિલિવરી કરવાની જવાબદારી વેચનારની હોય છે. તેથી આ સામાનને ઘર સુધી આપવામાં આવેલી પેકિંગની સામગ્રીની કિંમત વસૂલ કરવાનો વિક્રેતાને કોઈ અધિકાર નથી.

ગ્રાહકને સામાનની સાથે આપવામાં આવેલી કેરીબેગની કિંમત વસૂલ કરવાના એક મામલામાં પંચે દુકાનદારને ચાર હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. જોધપુર નિવાસી ઉપેન્દ્ર કુમારે પંચ સમક્ષ સરદારપુરા સ્થિત વાઇલ્ડ ક્રાફ્ટ ઇન્ડિયા લિમિટેડના વિરુદ્ઘ રજૂઆત કરીને જણાવ્યું હતું કે તેણે શોરુમમાંથી જુલાઈ ૨૦૧૯માં તૈયાર કપડા ખરીદ્યા હતા.

ફર્મે સામાન તેને આપવાની સાથે તેને આપવામાં આવેલી કેરીબેગની કિંમત ૮.૯૨ રુપિયા પણ ખોટી રીતે બિલમાં જોડી તેની પાસેથી વસૂલી લીધી છે તેમજ કેરીબેગ પર પોતાની કંપનીના નામનું છાપીને પણ રાખ્યુ છે. પંચની બેન્ચે સુનાવણી પછી જણાવ્યું હતું કે માલવેચાણ અધિનિયમની જોગવાઈઓ મુજબ ગ્રાહકને વેચાણ કરવામાં આવેલા સામાનની સલામત ડિલિવરી આપવાની જવાબદારી વેચનાર કે વિક્રેતાની હોય છે. આ સંજોગોમાં સામાનને યોગ્ય સ્થિતિમાં પહોંચાડવા માટે ઉપયોગમાં લેવ ાતી કેરી બેગ કે પેકિંગની સામગ્રીની કિંમત વસૂલવાનો દુકાનદારને કોઈ અધિકાર નથી. પંચે દુકાનદારના વ્યવહારને અયોગ્ય માનતા તેને કેરીબેગની કિંમત ૮.૯૨ રુપિયા તથા શારીરિક તેમજ માનસિક નુકસાનના વળતર તરીકે બે હજાર રુપિયાની રકમ વળતર પેટે આપવાનો ાદેશ આપ્યો છે. દુકાનદારને ભવિષ્યમાં ગ્રાહકોની પાસેથી કેરી બેગની કિંમત વસૂલ ન કરવાની સાથે બીજા બે હજાર રુપિયાનો દંડ ગ્રાહક કલ્યાણ ભંડોળ રાજસ્થાનમાં જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કેટલાય સ્થળોએ આવા કેટલાય મામલા આવી ચૂકયા છે.

(10:25 am IST)