Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કોરોનાથી ૧ લાખથી વધુ બાળકોએ માતા-પિતા ગુમાવ્યાં

બાળ સ્વરાજ નામની વેબસાઇટ શરૂ કરવામાં આવી છે

નવી દિલ્હી,તા. ૨૭ : નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા એક સુઓમોટો અરજીમાં સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે કોરોનાને કારણે એપ્રિલ ૨૦૨૦ પછી દેશમાં ૧ લાખ કરતાં વધુ બાળકો અનાથ થયા છે અથવા તો માતા કે પિતા ગુમાવ્યા છે. કમિશન દ્વારા અનાથ થયેલા કે બંને માતાપિતા કે એકલા માતા કે પિતા ગુમાવનાર બાળકોનો ડેટા મેળવવા માટે બાળ સ્વરાજ નામની વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ૧ એપ્રિલ ૨૦૨૦થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં ૧,૦૧,૦૩૨ બાળકો અનાથ થયા છે કે માતા કે પિતા કે બંને વાલીઓ ગુમાવ્યા છે. આમાં ૮૧૬૧ બાળકો અનાથ થયા છે, ૩૯૬ બાળકો તરછોડાયા છે અને ૯૨,૪૭૫ બાળકોએ તેમનાં માતા કે પિતા ગુમાવ્યા છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટો રિટની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં NCPCR દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં ઉપર મુજબ વિગતો દર્શાવાઈ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આવા અનાથ થયેલા બાળકોને ભોજન પૂરું પાડવાની, આશરો આપવાની તેમજ શિક્ષણ આપવાની કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવે છે. કોર્ટને એમિકસ કયુરી એડવોકેટ ગૌરવ અગ્રવાલ દ્વારા મદદ કરાય છે. NCPCR દ્વારા આ મુદ્દે કોર્ટમાં ત્રીજી એફિડેવિટ રજૂ કરવામાં આવી છે.

કોરોેનામાં અનાથ થયેલા બાળકોનાં શિક્ષણ માટે કેન્દ્ર સરકાર પીએમ કેર્સ ફંડમાંથી તત્કાળ ફંડ ફાળવી શકે કે કેમ તેવો મહત્ત્વનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે પૂછયો હતો. સર્વોચ્ચ અદાલતનાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ તેમજ જસ્ટિસ અનિરુદ્ઘ બોઝની બેન્ચે કહ્યું હતું કે શિક્ષણ એ બાળકોનો મૂળભૂત અધિકાર છે. બાળકો સ્કુલમાં રહેવા જોઈએ અને શિક્ષણ લેતા હોવા જોઈએ. ખાસ કરીને ખાનગી સ્કૂલોમાં શિક્ષણ લેતા બાળકોનાં ભાવિ માટે કોર્ટ ચિંતિત છે.

(10:25 am IST)