Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

હુમલાખોરોને માફ નહીં કરાય : તેમણે મોતની મોટી કિંમત ચૂકવવી પડશેઃ જો બાઈડેન

આતંકવાદી સંગઠન ISIS-K એ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર જીવલેણ બેવડા હુમલાની જવાબદારી સ્વીકારી

વોશિંગ્ટન,તા. ૨૭: ગઇ કાલે વ્હાઈટ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકા માટે જવાબદાર લોકોને કહ્યું હતું કે અમે તેને માફ કરીશું નહીં કે ભૂલીશું નહીં. અમે તમારો શિકાર કરીશું અને તમારે આ મૃત્યોની કિંમત ચૂકવવી પડશે. તે જ સમયે, બાઈડેન કહ્યું કે અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનથી બચાવીશું. અમે અમારા અફદ્યાન સાથીઓને બહાર કાઢીશું અને અમારું મિશન ચાલુ રહેશે.

રાષ્ટ્રપતિ જો બાઈડેન કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા હુમલામાં માર્યા ગયેલા અમેરિકન સર્વિસ મેમ્બર્સ હીરો હતા. તે અન્ય લોકોના જીવ બચાવવા માટે એક ખતરનાક અને નિઃસ્વાર્થ મિશનમાં રોકાયેલા હતા. બાઈડેન કહ્યું કે ઓછામાં ઓછા ૧,૦૦૦ અમેરિકનો અને અન્ય ઘણા અફઘાન હજુ કાબુલમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કહ્યું કે કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે સાંઠગાંઠના હજુ સુધી કોઈ પુરાવા નથી. અફઘાનિસ્તાનમાં ગઇ કાલે કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર થયેલા હુમલામાં ૧૩ અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા ૭૨ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૬૦ અફઘાન માર્યા ગયા અને ૧૪૩ અન્ય ઘાયલ થયા.

આતંકવાદી સંગઠન ISIS-K એ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર જીવલેણ બેવડા હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસે ગુરુવારે કાબુલના હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની બહાર બે વિસ્ફોટો બાદ અમેરિકી નાગરિકો માટે એરપોર્ટ પર મુસાફરી ટાળવા અને એરપોર્ટ ગેટ ટાળવા માટે સુરક્ષા ચેતવણી જારી કરી છે.

(10:24 am IST)