Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ટામેટાનો ભાવ ઘટીને કિલોના ત્રણ રૂપિયા : ખેડૂતો પાક ફેંકવા મજબૂર

જથ્થાબંધ બજારોમાં વધારે આવક અને મર્યાદિત માંગના લીધે બટાકા અને ટામેટાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો

નવી દિલ્હી,તા. ૨૭: જથ્થાબંધ બજારોમાં વધારે આવક અને મર્યાદિત માંગના લીધે બટાકા અને ટામેટાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો તેમજ જાન્યુઆરી ૨૦૨૧ની ઉંચી સપાટીથી હાલ ૫૦ ટકાની નીચે આવી ગયા છે. આજે દિલ્હીમાં ટામેટાની એક કિગ્રા કિંમતની ઘટીને ત્રણથી પાંચ રૂપિયા બોલાઇ હતી. તો બટાકાનો ભાવ પણ સાતથી નવ રૂપિયા પ્રતિ કિગ્રા બોલાયો હતો.

આગામી દિવસોમાં બંને શાકભાજીની કિંમત વધુ ઘટવાની શકયતા છે.ખેડૂત સંગઠનના સભ્યે જણાવ્યુ કે,'ભાવ તળિયે ઉતરી જતા ખેડૂતો પાક બજારમાં લાવવાનો ખર્ચ ઉઠાવવાને બદલે ટામેટા ફેંકી દેવા મજબૂર બન્યા છે. રાજય સરકાર પાસે આ સમસ્યા પર ધ્યાન આપવા માટે સમય નથી.

ભારતમાંથી પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. લાસણગાંવ એપીએમસીના ચેરમેન સુવર્ણા જગતાપે કેન્દ્ર સરકારને ટમેટાંની નિકાસ ઝડપી બનાવવાની માગણી કરી છે, જે ટેકાના ભાવે સ્વરૂપે મદદ કરી શકે છે.

ટામેટા ટ્રેડર્સ એસોસિએશન, આઝાદપુરના પ્રમુખ અશોક કોશિક ગનોરે જણાવ્યું હતું કે, 'હાલમાં દિલ્હી અથવા અન્ય શહેરોમાં પહોંચતા ટામેટાં, જે ઉત્પાદક વિસ્તારોથી દૂર આવેલા છે તે સારી સ્થિતિમાં પહોંચી શકતા નથી.

અગાઉ વધારે વરસાદને કારણે અગાઉ પાકને અસર થઈ હતી અને હવે તે અચાનક એટલા બધા પાકી ગયા છે કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સારી સ્થિતિમાં રહી શકતા નથી. અમે જમ્મુ અથવા હરિયાણા તરફ પૂરતા જથ્થામાં માલ મોકલી શકતા નથી. ટામેટા જેવી જ સ્થિતિ બટાકાની છે.

વધારે પાક અને નબળી માંગના બદલે દર મહિને કિમતો ઘટીને હાલ વર્ષના ૨૦૨૦ના સ્તરેથી ૫૦ ટકા નીચે આવી ગઇ છે. દિલ્હીની આઝાદપુરી મંડીના એક વેપારીએ જણાવ્યુ કે, કોલ્ડ સ્ટોરેજમાં જંગી જથ્થો છે, જયારે આગામી પાક બમ્પર થવાની અપેક્ષા છે. બિયારણની કિંમત ઓછી રહેવાથી ખેડૂતો વાવેતર વિસ્તાર વધાર્યો છે. ભાવ અતિશિય ઘટવાથી બજારમાં બટાકાની કોઇ માંગ દેખાતી નથી.

(10:23 am IST)