Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

આવતીકાલથી સતત ૩ દિવસ બેંકો બંધ રહેશે

કાલે ચોથો શનિવારઃ રવિવારે રજાઃ સોમવારે જન્માષ્ટમી

મુંબઇ, તા.૨૭: જો તમારી પાસે બેંક સંબંધિત મહત્વનું કામ છે, તો આજે જ તેના વ્યવહાર પૂર્ણ કરો કારણ કે આવતીકાલથી બેંક સતત ૩ દિવસ સુધી બંધ રહેશે. ૨૮ થી ૩૧ ઓગસ્ટ સુધી બેંકોમાં કામ નહીં થાય. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અનુસાર બેન્કો આ મહિનાના છેલ્લા સપ્તાહમાં ૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ અને એટીએમ સેવાઓ કાર્યરત રહેશે.

ઉલ્લેખનીય છે કે RBI એ ઓગસ્ટ ૨૦૨૧ મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી હતી. આ મહિનામાં કુલ ૧૫ રજાઓ હતી. આમાંની સમયમાં સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે. આ ત્રણ દિવસ દરમ્યાન જો તમે બેન્ક સંબંધિત કામ પેન્ડિંગ રાખ્યું છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

RBI એ સ્થાનિક તહેવારોને કારણે જુદા જુદા રાજયોમાં અલગ અલગ ઝોન માટે બેંક રજાઓની યાદી બહાર પાડે છે. RBI એ આ અઠવાડિયે બેંકોમાં ૪ દિવસની રજા નક્કી કરી છે. જોકે, આ રજા દરેક રાજયની બેંકો માટે નથી. ગુજરાતમાં ૩ દિવસ રજા રહેશે . ૨૮ ઓગસ્ટ આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક રજા રહેશે અને ૨૯ ઓગસ્ટ રવિવાર છે જેના કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.

જન્માષ્ટમી / કૃષ્ણ જયંતી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ ના   રોજ છે. આ દિવસે દ્યણા શહેરોની બેન્કો બંધ રહેશે. આ દિવસે ગુજરાત સહીત ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગંગટોકની બેંકોમાં કોઈ કામ થઇ શકશે નહીં. બીજી તરફ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રજાઓ હૈદરાબાદમાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ના   રોજ રહેશે જેના કારણે બેંકોમાં કોઈ કામ થશે નહીં.

(10:22 am IST)