Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અફઘાનિસ્તાનથી સૂકો મેવો લઇને નીકળેલી ટ્રકો દિલ્હી પહોંચી : અંજીરના ભાવ ઘટયા

આગામી દિવસોમાં વધારે માલ ભારત પહોંચશે, કૃત્રિમ ભાવ વધારો દૂર થશે : અફઘાનિસ્તાનના વેપારીઓએ તંત્ર સાથે આયાત - નિકાસ અને બેંક શરૂ કરવા મિટીંગ કરી

અમદાવાદ તા. ૨૭ : તાલિબાનોના હુમલા બાદ અફઘાનિસ્તાનથી અંજીર કાળી દ્રાક્ષ, જરદાળુ અને હિંગની નિકાસ લગભગ બંધ થઇ ગઇ છે ત્યારે જ ભારતના જે વેપારીઓએ અફઘાનિસ્તાનના વેપારીઓને સૂકામેવા માટે પેમેન્ટ કરી દીધું હતું તેમના માટે અફધાનિસ્તાનથી સૂકો મેવો લઈને નીકળેલી ટ્રકો દિલ્હી પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાનથી નીકળેલી ટ્રકો દિલ્હી પહોંચી જતાં દિલ્હીમાં અંજીરના ભાવ ઘટ્યા છે. આગામી દિવસોમાં વધુ માલની આયાત થતાં દેશમાં વેપારીઓએ કૃત્રિમ રીતે કરી દીધેલો ભાવ વધારો પણ ઘટશે. અફઘાનિસ્તાનના વેપારીઓએ આયાત નિકાસ અને બેન્કો શરૂ કરવા તંત્ર સાથે બેઠકો શરૂ કરી દીધી છે જેને પગલે આગામી દિવસોમાં આયાત-નિકાસની કામગીરી અને બેન્કિંગ સેવાઓ શરૂ થઈ જશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ દેશની સત્તા હસ્તગત કરી લીધી છે. આ હુમલા અને બળવાને કારણે અફઘાનિસ્તાનનું તંત્ર ડામાડોળ થઈ ગયું છે તમામ એરપોર્ટ અને બંદરો પર તાલિબાનોએ કબજો જમાવી દેતાં ઘણા દિવસોથી આયાત- નિકાસની કામગીરી ઠપ થઈ ગઈ છે.બેંકો બંધ હોવાથી અન્ય દેશો સાથે અફઘાનિસ્તાનના વેપારીઓ કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ પણ કરી શકતા નથી. અંજીરની નિકાસ બંધ થઈ જતા અફઘાનિસ્તાનના બજારોમાં અંજીરના ઢગલા ખડકાઈ ગયા છે. આ તમામ બાબતો વચ્ચે અફઘાનિસ્તાનના અંજીરનાવેપારીઓએ ખાસ કરીને દિલ્હીના જે વેપારીઓ દ્વારા અંજીર માટેનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું તેમને અંજીરનો જથ્થો મળી રહે તે માટે અફધાનિસ્તાનથી ૩૧ ટ્રક ભરીને અંજીર સહિત સુકોમેવો રવાના કર્યો હતો. જે ટ્રકો દિલ્હી પહોંચી ગઈ છે. દિલ્હીમાં મોટા પ્રમાણમાં અંજીરનો જથ્થો આવી જતા દિલ્હીમાં અંજીરનો જે ભાવ વધારો થયો હતો તે ઘટવા લાગ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં અફઘાનિસ્તાનથી ટ્રક મારફતે વધુ માલ ભારત પહોંચતા અન્ય સ્થળોએ પણ જે કૃત્રિમ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે તે ઘટવા લાગશે.
 

(10:21 am IST)