Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કાબુલ એરપોર્ટ પર ISISના હુમલામાં અત્યાર સુધીમાં ૯૦ના મોત

આતંકીઓએ તસ્વીર કરી જાહેર : અમેરિકી સૈનિકો પર માત્ર ૫ મીટરના અંતરથી કર્યો હતો હુમલો

કાબુલ તા. ૨૭ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આઇએસઆઇએસના આતંકવાદીઓએ માત્ર ૫ મીટરના અંતરથી અમેરિકન સૈનિકો પર હુમલો કર્યો, તાલિબાનની સુરક્ષા વ્યવસ્થાનો નાશ કર્યો. એરપોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા તાલિબાનના સૌથી ક્રૂર જૂથ હક્કાની નેટવર્ક પાસે હતી. અમાક એજન્સીના અહેવાલ મુજબ આત્મઘાતી હુમલાખોરનું નામ અબ્દુલ રહેમાન અલ-લોગારી હતું. ત્લ્ એ હુમલાખોરની તસવીર પણ જાહેર કરી છે.

અમેરિકન ટીવી ચેનલ સીબીએસના રિપોર્ટ અનુસાર, કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં અત્યાર સુધીમાં ૯૦ લોકો માર્યા ગયા છે અને ૧૫૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાં ૧૩ અમેરિકન સૈનિકો પણ સામેલ છે.

ઈસ્લામિક સ્ટેટ ખોરાસન આતંકી જૂથે ટેલિગ્રામ પર એક નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી અને આત્મઘાતી બોમ્બરનો ફોટો પણ જારી કર્યો. તેમણે કહ્યું કે આ હુમલો માત્ર ૫ મીટરના અંતરથી અમેરિકન સૈનિકો પર કરવામાં આવ્યો હતો જે તે સમયે અફઘાન શરણાર્થીઓના દસ્તાવેજો બનાવી રહ્યા હતા.

IS હુમલાખોર અબ્દુલ રહેમાન અલ-લોગારીએ કાબુલ એરપોર્ટના એબી ગેટ પાસે પોતાને વિસ્ફોટ કર્યો હતો. આ ગેટની સુરક્ષા અમેરિકા અને બ્રિટનના સૈનિકો દ્વારા કરવામાં આવી રહી હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં ૧૩ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. આટલી મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકોના મોત બાદ રાષ્ટ્રપતિ જો બિડેન ખૂબ ગુસ્સે છે. બિડેને જાહેર કર્યું છે કે અમે આતંકવાદીઓને માફ નહીં કરીએ, અમે તેમને શોધીશું અને તેમને સજા કરીશું.

અફઘાનિસ્તાનમાં હોસ્પિટલો ચલાવતી એક ઇટાલિયન સંસ્થાએ જણાવ્યું કે તેઓ એરપોર્ટ હુમલામાં ઘાયલ ૬૦ લોકોની સારવાર કરી રહ્યા છે, જયારે અન્ય ૧૦ લોકો હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પથારીની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને હુમલાને બર્બર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ખાલી કરાવવાની કામગીરી ઝડપથી ચાલુ રાખવાની જરૂર છે.

(11:45 am IST)