Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કાબુલ એરપોર્ટ પર જે કંઈ પણ થયું તે માત્ર ફિલ્મનું ટ્રેલર: અમરૂલ્લાહ સાલેહ

તાલિબાન અહીં કોઈ યુદ્ધ નથી જીત્યુ. તે વોશિંગ્ટનના રાજકીય નિર્ણયોની હાર: અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ

નવી દિલ્હી :  અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે કહ્યું કે જ્યાં સુધી દુશ્મન નહીં માને અને અફઘાનિસ્તાને અફઘાનિસ્તાન રહેવા દેવા કોઈ નિષ્કર્ષ પર ન આવે ત્યાં સુધી અમે લડીશું. તે તાલિબાનિસ્તાન ન બનવું જોઈએ. અમરૂલ્લાહ સાલેહે સીએનએન-ન્યૂઝ 18 ને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર જે કંઈ પણ થયું તે માત્ર ફિલ્મનું ટ્રેલર હતું.

સાલેહ તેના વિશ્વસનીય સશસ્ત્ર લડવૈયાઓ અને અહમદ મસૂદ સાથે પંજશીરમાં છે.

અમેરિકા પર અમરુલ્લાએ કહ્યું, અમે જોઈ રહ્યા છીએ કે તાલિબાનીઓ શું કરી રહ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે દુનિયાભરનું મીડિયા અમારા વિશે કેવી રીતે નકારાત્મક લખી રહ્યું છે. અમેરિકા એક વૈશ્વિક શક્તિ છે, તેમની પાસે સૌથી શક્તિશાળી સેના છે અને અમે ક્યારેય તેમના વિશે ખરાબ વિચાર્યું નથી, આ નિર્ણય બતાવે છે કે કેવી રીતે ખોટો રાજકીય નિર્ણય સુપર પાવરને પણ નીચે લાવી શકે છે. આ બધું ક્યારેય યુએસ મિલિટરી કે યુએસ ઇન્ટેલિજન્સ એજન્સી માટે નહોતું. તે માત્ર એક ખોટો નિર્ણય હતો અને તેણે તેના પરિણામો ભોગવવા પડશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગ્રાઉન્ડ લેવલ પર જે થયું તે અફઘાન સરકારની અસમર્થતા તરીકે જોવાવુું જોઈએ? તો સાલેહે કહ્યું કે, હું સ્વીકારું છું કે મેં આ બધામાં મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ શું અમેરિકન નિર્ણયમાં અમારી ભૂમિકા હતી? અમે તેના નિર્ણયને પ્રભાવિત કરી શક્યા નહીં, અફઘાનિસ્તાનમાં જે પણ થયું, હું બે વર્ષથી આ પરિણામો વિશે ચેતવણી આપી રહ્યો છું. હવે તે માત્ર તેના કર્મના પરિણામો ભોગવી રહ્યા છે. તે એક રાજકીય નિર્ણય હતો, તેનો સેના કે ગુપ્તચર એજન્સી સાથે કોઈ સંબંધ નથી. તાલિબાન અહીં કોઈ યુદ્ધ નથી જીત્યુ. તે વોશિંગ્ટનના રાજકીય નિર્ણયોની હાર છે જેણે આ પરિસ્થિતિ સર્જી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને જાહેરાત કરી છે કે તે તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનમાંથી અમેરિકનો, જોખમમાં મુકાયેલા અફઘાન અને અન્ય લોકોને બહાર કાઢવા માટે જોખમી એરલિફ્ટ પૂર્ણ કરવા માટે તેમની 31 ઓગસ્ટની સમયમર્યાદાને વળગી રહેશે. આ નિર્ણયથી તેના સાથી નેતાઓમાં બાઈડનની ટીકા થઈ રહી છે, જે લોકોને બહાર કાઢવા થોડો વધુ સમય માંગતા હતા, આ નેતા માને છે કે બિડેન તાલિબાનની સમયમર્યાદાની માંગને વશ થઈ ગયા છે.

(11:03 pm IST)