Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નોઇડા આવી અંધવિશ્વાસ યોગીએ તોડી દીધો : મોદી

મજેન્ટા લાઇન મેટ્રોનુ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયુ : યોગીના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશ ખુબ જ ઉત્તમરીતે વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે : મેટ્રોથી લાખોને લાભ થશે

નોઇડા,તા. ૨૫ : ક્રિસમસના તહેવારના દિવસે નોઇડાને દક્ષિણ દિલ્હીની સાથે જોડનાર મજેન્ટા લાઇન મેટ્રોની લોકોને ભેંટ મળી ગઇ છે.  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ૯૩માં જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બાટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પર બટન દબાવીને પહેલા ફેજ હેઠળ કાલકાજી મંદિર સુધી માટે આ લાઇનની શરૂઆત કરી હતી. મોદીએ આ મેટ્રોમાં ઓખલા બર્ડ સેન્ચુરી સુધી યાત્રા પણ કરી હતી. મોદીએ પોતાના ભાષણમાં મુખ્યપ્રધાન યોગીની ભારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે યોગીએ આદિત્યનાથે આ ભ્રમ તોડી દીધો છે કે કોઇ મુખ્યપ્રધાન નોઇડા આવી શકતા નથી. યોગીની ભારે પ્રશંસા કરતા મોદીએ કહ્યુ હતુ કે યોગીના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશ ખુબ ઉત્તમરીતે વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે. અલબત્ત યોગીના વસ્ત્રોને જોઇને એ ભ્રમ ફેલાવવામાં આવે છે કે તેઓ આધુનિક વિચારના હોઇ શકે નહી. મોદીએ કહ્યુ હતુ કે તેમને ખુશી છે કે જે નોઇડામાં કોઇ મુખ્યપ્રધાન ન આવવા માટેની છાપ ઉભી થયેલી હતી તે હવે દુર થઇ છે.  યોગીએ આ અંધવિશ્વાસને તોડી દીધો છે. મોદીએ કહ્યુ હતુ કે કોઇ પણ મુખ્યપ્રધાનના નોઇડા નહીં આવવા માટેનુ કારણ અંધવિશ્વાસ છે. લોકો કહે છે કે જે મુખ્યપ્રધાન નોઇડા આવે છે તે મુખ્યપ્રધાનની ખુરશી જતી રહે છે. મોદીએકહ્યુ હતુ કે માન્યતામાં કેદ થઇને કોઇ સમાજ વિકાસ કરી શકે નહી.  પોતાનો દાખલો આપતા તેમણે કહ્યુ હતુ કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમને કેટલાક સ્થળો પર જતા રોકવામાં આવતા હતા. પરંતુ તેઓ મુખ્યપ્રધાન તરીકે તમામ જગ્યાએ ગયા હતા. જેથી તેમને સૌથી વધારે સેવાની તક મળી છે. પોતાના સંબોધનમાં મોદીએ ગુડ ગવર્ન્સનો ઉલ્લેખ કરીને અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરી હતી. વાજપેયીને મોદીએ મેટ્રોના પ્રથમ યાત્રી તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનુ સપનુ વાજપેયીએ જોયુ હતુ. જેથી હવે ભારતના દરેક ગામ પાકા રસ્તાથી જોડાઇ રહ્યા છે. અમે આ રસ્તાને આગળ લઇને જઇ રહ્યા છીએ. મોદીએ દેશના લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યુ હતુ કે આજે બે ભારતરત્ન સમાન હસ્તી વાજપેયી અને મદન મોહન માલવીયના જન્મદિવસ છે. વારાણસીએ તેમને વડાપ્રધાન તરીકે સેવા કરવાની તક  મળી છે. આજે દુગામી સેવા શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે હાલના સમયમાં વિકાસના દરેક કામને રાજકીય રંગ આપવામાં આવે છે. દરેક બાબત રાજકીય રીતે જોવામાં આવે છે. મોદીએ વર્ષ ૨૦૨૨ સુધી  વિદેશમાંથી પેટ્રોલિયમ પ્રોડક્સની આયાત ઓછી કરવાની દિશામાં આગળ વધવાની વાત કરી હતી. નવી લાઇન શરૂ કરવામાં આવ્યા બાદ લાખો યાત્રીઓને સીધો ફાયદો થશે. મજેન્ટા મેટ્રો પર બોટનિકલ ગાર્ડનથી કાલકાજી મંદિર સુધી નવ  સ્ટેશન આવે છે. આશરે ૧૩ કિલોમીટર લાંબા આ પ્રવાસને હવે ૧૯ મિનિટમાં પૂર્ણ કરી શકાશે. હાલમાં બ્લુલાઇન મેટ્રોથી મંડી હાઉસ તેમજ ત્યાંથી કાલકાજી પહોંચવા આશરે ૪૧ મિનિટનો સમય લાગે છે. આ પ્રકારે મજેન્ટા લાઇન મેટ્રોથી લોકો ફરીદાબાદ સુધી ૨૨ મિનિટની બચત કરી શકે છે.

આ મેટ્રો શરૂ થયા બાદ લોકોને દક્ષિણ દિલ્હી અને ફરીદાબાદ જવા માટે વિકલ્પ મળી ગયો છે. પરિવહન સુવિધા વધારે મજબુત બની ગઇ છે. મેટ્રો લાઇનને લઇને આજે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. લોકો ભારે આશાવાદી છે. યોગીના વિકાસ કાર્યોને લઇને પણ નોઇડાના લોકો આશાવાદી બનેલા છે.

(7:00 pm IST)