Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ઉત્તર ભારત તીવ્ર ઠંડી અને ધુમ્મસના સકંજામાં આવ્યું

કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષાથી તીવ્ર ઠંડીનું મોજુ : સતત બીજા દિવસે ૨૬ ટ્રેનો લેટ, ૧૭ ટ્રેનોને રદ કરવાની ફરજ પડી : જમ્મુ-કાશ્મીરમાં શૂન્યથી પણ નીચે તાપમાન

નવી દિલ્હી,તા. ૨૫ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીના કારણે આજે પણ જનજીવન ખોરવાયેલુ રહ્યુ હતુ. તાપમાનમં ઘટાડો થવાના કારણે ધુમ્મસની ચાદર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. ધુમ્મસના કારણે આજે સતત બીજા દિવસે પણ વિમાની સેવા અને ટ્રેન સેવા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે.  ધુમ્મસના કારણે વિજિબિલિટી ઘટી ગઇ હતી.રાષ્ટ્રીય પાટનગરમાં આજે પણ ૨૬ ટ્રેનો લેટ પડી હતી. ૧૭ ટ્રેનોને રદ કરવાની ફરજ પડી હતી. ગઇકાલે રવિવારે પણ ૧૭ ટ્રેનો રદ કરવાની ફરજ પડતા યાત્રીઓ જુદી જુદી જગ્યાએ અટવલાઇ પડ્યા હતા. પ્રદુષણના કારણે તકલીફ વધી રહી છે.  ધુમ્મસના કારણે રેલવે બોર્ડે ૧૭મી ડિસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી ૨૦૧૭ સુધીની અનેક ટ્રેનોને રદ કરી દીધી છે. ૨૮ ટ્રેનોના આવવા તેમજ જવાના સમયમાં ઘટાડો કરી દીધો છે. ડિસેમ્બર મહિનામાં ધુમ્મસના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે. એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જોવી પડી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ધુમ્મસે  રેલવે ટાઈમ ટેબલ જેવું કંઇ રહેવા દીધું નથી. કોઇપણ ટ્રેનના સમયમાં વારંવાર ફેરફાર કરવા પડી રહ્યા છે. જેને લઇને જો ટ્રેનના ઉપડવાના સમયને સાચો બતાવવામાં આવે તો પણ મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. આજ કારણસર જેમ જેમ માહિતી મળતી જાય છે તેમ તેમ દિલ્હીથી ઉપડતી અને આવતી તમામ ટ્રેનોના સમયમાં વારંવાર ફેરફાર કરવા પડે છે. કુદરત અને બદલતા જતાં વાતાવરણની વચ્ચે અમે પણ કંઇ ખાસ કરી શકતા નથી જેને લઇને મુસાફરોની મુશ્કેલીઓમાં ભારે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે.  ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં ૫૨ જેટલી ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે .

સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ઘાડ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ૪૦ દિવસના સૌથી લાંબા શિયાળાના ગાળા જેને ચિલાઇ કાલન કહેવામાં આવે છે તેના પાંચમા દિવસે જનજીવન ખોરવાયેલી રહ્યુ હતુ. શ્રીનગરમાં મહત્તમ તાપમાન આઠ ડિગ્રી રહ્યુ હતુ. લેહ, કારગીલ અને અમરનાથ વિસ્તારોમાં માઇનસમાં તાપમાન જોવા મળી રહ્યુ છે. દેશના અન્ય ભાગોમાં ખાસ કરીને પંજાબ, રાજસ્થાનમાં પણ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.  દરમિયાન, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા થયા બાદ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હાલમાં કોઇ રાહત ઠંડીથી લોકોને મળે તેવી શક્યતા ખુબ ઓછી દેખાઇ રહી છે.

(7:00 pm IST)