Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નરેન્દ્રભાઇએ મજેન્ટા ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યું, કરી ડ્રાઇવરલેસ ટ્રેનની મુસાફરી

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ડ્રાઇવર સહિત મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કર્યું

નવી દિલ્હી તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આજે બપોરે બોટનિકલ ગાર્ડન સ્ટેશન પર ડ્રાઈવરલેસ મજેન્ટા મેટ્રો ટ્રેનને ગ્રીન સિગ્નલ આપી તેનું ઉદ્દઘાટન કરી દીધું છે. મજેન્ટા લાઈન પર મુસાફરો સોમવારે સાંજથી આ મેટ્રોમાં મુસાફરી કરી શકશે.

૩૬.૨૩ કિમીની આ લાઈનને પશ્ચિમ દિલ્હીથી જનકપુરી સુધી લાંબી કરવામાં આવી છે. આ પ્રસંગે મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના મંત્રીઓ અને ડીએમઆરસીના મેનેજર ડો. મંગૂ સિંહ હાજર રહ્યા હતા.

આ ટ્રેન સીધી દિલ્હીથી કાલકાજી મંદિર નોએડા જશે. આ લાઈનનું અધૂરું કામ માર્ચ ૨૦૧૮ સુધીમાં પૂરું થઈ જશે. આ મેટ્રો ટ્રેનમાં સીટો ગુલાબી અને નારંગી રંગની હશે. રિઝર્વેશન સીટો માટે ખાસ લીલો રંગ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી મેટ્રોમાં બે સીટો એકલા માટે રહેતી હતી, પરંતુ હવે તે સીટો ત્રણ કરવામાં આવી છે અને બાકીની પાંચ સીટર છે.  ટ્રેનમાં યુએસબી ચાર્જિંગ પોઈન્ટસની સાથે સાથે એલઇડી સ્ક્રીન પણ આપવામાં આવી છે.મુસાફરોની સુરક્ષા માટે ૯ સ્ટેશનોમાં પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજા પણ લગાવવામા આવ્યા છે. આ ટ્રેનના એક કોચમાં ૩૫-૪૦ લોકો એકસાથે બેસી શકે છે. આ ટ્રેનના એક કોચમાં ત્રણ અલગ અલગ પોલ લગાવવામાં આવ્યા છે, જેથી જગ્યા ન મળનાર મુસાફરો તેને પકડીને ઉભા રહી શકે.

બોટનિકલથી કાલકાજીનો રસ્તો કાપતા ૫૨ મિનિટનો સમય લાગે છે, પરંતુ હવે આ અંતર માત્ર ૧૯ મિનિટમાં કાપી શકાશે. આ ટ્રેનમાં ભાડુ પણ ૨૦ થી ૩૦ રૂપિયા સુધીનું લેવામાં આવશે. હાલમાં આ લાઈન પર ૧૦ મજેન્ટા ટ્રેન ચાલશે.

(3:46 pm IST)