Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બિહારના રાજકારણમાં કદાચ મોટી ઉથલપાથલ થઇ શકે છે

લાલુની પાર્ટી આરજેડીના કેટલાક સિનિયર નેતાઓ પક્ષપલટો કરી શકે છે

પટણા, તા. રપ :  બહુ ગાજેલા ચારાગોટાળામાં બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ પર રાંચીસ્થિત સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટના ફેંસલાની બિહારની રાજનીતિ પર ઘણી મોટી અસર પડશે. રાજનીતિના જાણકારોના મતે લાલુ જેલમાં હશે તો તેમના પક્ષમાં બળવો પણ થઇ શકે છે. લાલુની ગેહાજરીમાં પક્ષના નેતાઓને એકસુત્રમાં બાંધવા લાલુના બન્ને દીકરાઓ તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ માટે એક મોટો પડકાર બની રહેશે.

સુત્રોએ જણાવ્યા મુજબ મોકાની રાહ જોઇએ રહેલા આરજેડીના કેટલાક સિનિયર નેતાઓ આગળ જતા પાર્ટી બદલી શકે છે. પક્ષના નેતઓનો દાવો છે કે તેજસ્વી યાદવ લાલુ યાદવના ઉતરાધિકારી ઘોષિત થઇ ચુકયા છે અને તેઓ જ આરજેડીનું સુકાન સંભાળશે. લાલુ યાદવ જેલમાં જતા કોંગ્રેસમાં પણ ખળભળાટ મચવાની શકયતા છે. પાર્ટીના ડઝનેક નેતાઓએ પહેલેથી જ એનડીએની રાજય સરકારનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા છે.

લાલુ યાદવના જેલ ગયા બાદ બધાની નજર તેમના પુત્ર અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ પર છે. સરકારમાં રહીને તેજસ્વીએ વિરોધ પક્ષ સમક્ષ પોતાની મજબૂત છબી ઉપસાવી હતી, પરંતુ રાજકીય મોરચે તેઓ કેટલા પરિપકવ છે એજી પરીક્ષા હવે થશે. કહેવાય છે કે લાંબા સમયથી વફાદાર રહેલા પાર્ટીના કેટલાક વરિષ્ઠા નેતાઓ તેમના માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે. લાલુએ તેમને સાઇડ કરીને તેમના દીકરાઓને આગળ કર્યા એ વાતથી આ નેતાઓ નારાજ છે.

લાલુ પહેલી વખત જેલમાં ગયા હતા ત્યારે તેમના પત્ની રાબડી દેવીને બિહારનાં મુખ્ય પ્રધાન બનાવીને ગયા હતા. જો કે એ વખતે તેમની પાર્ટી પર આની કોઇ વિશેષ અસર જણાઇ નહોતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં પરિસ્થિતિ માં ઘણો બદલાવ આવ્યો છે. છેલ્લો ઓકટોબર-ર૦૧ ૩માં લાલુ પ્રસાદના કેસમાં જેલમાં ગયા ત્યારે કોર્ટે તેમને પાંચ વર્ષની સજા આપી હતી. ત્યારબાદ ડિસેમ્બરમાં સજામાં રાહત હળતા તેમણે બે વર્ષમાં બિહારનાી રાજનીતિમાં ફરી પ્રવેશ કરી પોતાનું સ્થાન મજબૂત બનાવતાં નીતીશકુમાર સાથે ગઠબંધ કરીને ચૂંટણીમાં જવલંત સફળતા મેળવી હતી. જો કે નીતિશકુમારનો સાથે છોડયા બાદ તેઓ ફરી હાંસિયામાં ધકેલાઇ ગયા છે. આવામાં આ પડકાર તેમના માટે ઘણો મોટો પુરવાર થઇ શકે છે.

(3:21 pm IST)