Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ભૂંડ પકડતાં જોગેન્દ્રસિંઘની લૂંટારૂ ટોળકીનો પર્દાફાશ

રાજકોટમાં કાર ચોરી, બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં ઘરમાં ઘુસી કરાયેલી લૂંટ, બે ઘરમાં ચોરી, એકમાં લૂંટનો પ્રયાસ સહિતના ગુનાઓનો ભેદ ઉકેલાયો : બે સગા ભાઇ, એક સગીર સહિત ૪ શખ્સો ત્રણ પિસ્તોલ, ૧૨ કાર્ટીસ, ૬ છરી, બે ધોકા, એક ગણેશીયો, ગેસ કટર-બાટલો, ડુપ્લીકેટ ચાવીઓ અને બાઇક સાથે ઝડપાયાઃ સોના-ચાંદીના દાગીના રોકડ સહિત ૫,૯૪,૧૫૦નો મુદ્દામાલ કબ્જે : રાજકોટના ૧૪ સહિત ૨૬ ગુનાઓ લૂંટારૂ ચિખલીકર ગેંગના શીરે : મોટે ભાગે બંધ મકાનને નિશાન બનાવતાં: પ્રતિકાર થાય તો પિસ્તોલના નાળચે લૂંટ ચલાવતાં : શુક્રવારે સવારે લાગલગાટ આતંક મચાવનાર ટોળકીને ઝડપી લઇ આકરી પુછતાછઃ ક્રાઇમ બ્રાંચની ૭ ટીમો કામે લાગી'તી : લૂંટ-ચોરીનો પ્લાન બનાવી સુરતના બડેસિંઘ અને લક્ષમણસિંઘનો સાથ લેતાં: બંનેની શોધખોળ ક્રાઇમ બ્રાંચને મળી સફળતા

ચોરી-ધાડ-લૂંટમાં સંડોવાયેલી લૂંટારૂ ટોળકીને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઓળખી કાઢી દબોચી લીધી હતી. આ વિગતો પ્રેસ કોન્ફરન્સમાં જોઇન્ટ પોલીસ કમિશ્નર દિપક ભટ્ટે આપી ત્યારની તસ્વીરમાં ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી હર્ષદ મહેતા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા સહિતનો સ્ટાફ તથા કબ્જે થયેલો મુદ્દામાલમાં ત્રણ પિસ્તોલ, સોના ચાંદીના દાગીના, છરીઓ, રોકડ સહિતનો મુદ્દામાલ અને અંતિમ તસ્વીરમાં સગીર સિવાયના ત્રણ આરોપીઓને બુરખા પહેરાવી ક્રાઇમ બ્રાંચમાં બેસાડાયેલા દેખાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેરમાં વહેલી સવારે ભીલ પરિવારના ઘરમાં ઘુસી હથીયારોની બીક બતાવી બીન્દાસ્તપણે ચલાવવામાં આવેલી લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. ભુંડ પકડવા સાથે ચોરી-લૂંટ કરતી આ ગેંગનો સુત્રધાર જોગેન્દ્રસિંઘ મહેન્દ્રસિંઘ રાઠોડ (ડાંગી લુહાર) અગાઉ ગેરકાયદે તમંચા સાથે ઝડપાયો હતો. આ શખ્સનો હુલીયો સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના સંકલન સાથે પારખી લેવાયો હતો અને ગુપ્ત રીતે તમામને ઉઠાવી લેવાયા હતાં. પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત આશરે છ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લૂંટારાઓ પાસેથી ૩ પિસ્તોલ, છરી, ધોકા સહિતના ઘાતક હથીયારો મળી આવ્યા છે.

શુક્રવારે વહેલી સવારે ચારેક વાગ્યે સાધુ વાસવાણી રોડ બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહેતાં શિક્ષક પરેશભાઇ દેવજીભાઇ માલી (ભીલ)ના ઘરમાં ઘુસી જઇ પાંચ લૂંટારૂઓએ રોકડ-દાગીના મળી રૂ. ૩,૬૮,૦૦૦ની લૂંટ ચલાવી હતી. સીસીટીવીમાં આ લૂંટારા સફેદ વેગનઆર કાર લઇને આવ્યાનું ખુલ્યું હતું. જેના આધારે તપાસ થતાં ટોળકીએ આ લૂંટ કરી એ પહેલા કારની ચોરી અને બે મકાનમાં ચોરીનો પ્રયાસ, પંચાયત ચોક નજીક શકિતનગરમાં લૂંટનો પ્રયાસ તથા ભીલ પરિવારના ઘરમાં લૂંટ કર્યા પછી ફરીથી એક મકાનમાં ચોરી કરી રિતસર આતંક મચાવી પોલીસને પડકાર ફેંકયો હતો.

આ ટોળકીને ઝડપી લેવાઇ છે. જેમાં સુત્રધાર જોગેન્દ્રસિંઘ મહેન્દ્રસિંઘ રાઠોડ (ડાંગી લુહાર) (ઉ.૪૧-રહે. કોઠારીયા સોલવન્ટ, સિતારામ સોસાયટી રમેશભાઇ ભરવાડના મકાનમાં), તેનો સગો ભાઇ ગુરૂમુખસિંઘ મહેન્દ્રસિંઘ રાઠોડ (ઉ.૩૪-રહે. ગાંધીગ્રામ મોચીનગર-૨), જોગેન્દ્રસિંઘનો સગીર પુત્ર તેમજ કોૈટુબીંક ભાણેજ હરવિંદરસિંઘ દયાસિંઘ દુદાણી (ઉ.૩૦-રહે. ન્યુ ગણેશ સોસાયટી કોઠારીયા રોડ, જોગેન્દ્રસિંઘના મકાનમાં)ની ધરપકડ કરી પુછતાછ હાથ ધરી છે. આ ટોળકીના સુરત રહેતાં બે સભ્યો બડેસિંઘ અને લક્ષમણસિંઘ હજુ હાથ આવ્યા નથી. સીસીટીવીના અસંખ્ય ફૂટેજને લિંકઅપ કરી મહત્વની કડી મેળવવામાં ક્રાઇમ બ્રાંચ સફળ રહી હતી.

પોલીસ કમિશ્નરની સીધી રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાંચે સાત ટીમો બનાવી દોડધામ શરૂ કરી દીધી હતી. અંતે આ ટોળકીને દબોચી લેવામાં સફળતા મળી છે. રાજકોટમાં રહી ભુંડ પકડવાનું કામ કરતાં ચિખલીકર શખ્સે ટોળકી રચી લૂંટ, લૂંટનો પ્રયાસ અને ચોરીઓની ઘટનાને અંજામ આપ્યાનું ખુલ્યું છે. આવા સાત-આઠ બનાવોનો ભેદ ખુલવાની શકયતાએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

શુક્રવારે સવારે લાગલગાટ એક જ ટોળકીએ ચોરી, લૂંટ, લૂંટનો પ્રયાસ અને ચોરીનો પ્રયાસ કરતાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા સહિતના અધિકારીઓએ ક્રાઇમ બ્રાંચને કોઇપણ ભોગે આ ટોળકીને દબોચી લેવા સુચના આપી હતી. તે અંતર્ગત પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ આર. સી. કાનમીયા, પી.એસ.આઇ. એ. એેસ. સોનરા, પી.એસ.આઇ. ધાંધલ્યા, પીએસઆઇ ઉનડકટ સહિતની સાત ટીમો કામે લાગી ગઇ હતી.

સુત્રધાર જોગેન્દ્રસિંઘ ભુંડ પકડવા ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી લૂંટ, ચોરીના રવાડે ચડ્યો હતો અને આ માટે સાગ્રીતોને સાથે રાખી ટોળકી રચી હતી. શુક્રવારે સવારે ભીલ પરિવારના ઘરમાં ઘુસી લૂંટ કરી એ પહેલા પ્રહલાદ પ્લોટમાંથી વેગનઆર કારની ચોરી કરી હતી. ત્યારબાદ બે મકાનમાં ચોરીનો પ્રયાસ અને એકમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. પંચાયત ચોક આગળ શકિતનગર-૩માં રાજનંદીની એપાર્ટમેન્ટ-૧૦૩માં રહેતાં રવિન્દ્રકુમાર કાળીદાસ દેસાઇ (પટેલ) (ઉ.૩૨)ના ઘરમાં સવારે ચાર પહેલા ટોળકી પહોંચી હતી. એ પહેલા ચોકીદાર પ્રકાશભાઇને છરી બતાવી હાથ બાંધી દીધા હતાં. બાદમાં રવિન્દ્રકુમાર પટેલના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પણે તેણે દરવાજનો ન ખોલતાં ટોળકીએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. રવિન્દ્રકુમારે ચોર-ચોરની બૂમો પાડતાં ત્યાંથી આ ટોળકી ભાગી ગઇ હતી અને બાદમાં માલી (ભીલ) પરિવારના ઘરને નિશાન બનાવી લૂંટ કરી હતી.

એ પહેલા ૨૦/૧૨ના રોજ ૮૦ ફુટ રોડ પર ન્યુ પપૈયાવાડી-૫માં સાગર હોલ પાસે રહેતાં જયંતિભાઇ કાનજીભાઇ ટાંક (કડીયા)ના બંધ મકાનમાંથી રૂ. ૪૯ હજારની ચોરી પણ આ ટોળકીએ કરી હતી. આ ઉપરાંત ૧૬/૯ના રોજ ગોકુલધામ સોસાયટી-૫ બ્લોક નં. ૨૯૮માં શ્રીજીકૃપા ખાતે રહેતાં સિંચાઇ ખાતાના નિવૃત વર્ક આસીસ્ટન્ટ વિઠ્ઠલભાઇ અરજણભાઇ ગોહેલ (કડીયા) (ઉ.૭૦)નું ઘર ૧૬/૯ થી ૯/૧૦ સુધી બંધ હોઇ તેમાંથી પણ આ ટોળકીએ સોનાના દાગીનચ, એલસીડી ટીવી, રોકડ મળી રૂ. ૬૬ હજારની ચોરી કબુલતાં માલવીયાનગરમાં ગુનો નોંધાયો છે.

બપોરે એડીશનલ પોલીસ કમિશ્નર ડી.એસ. ભટ્ટે પત્રકારોને વિગતો આપી હતી. ઝડપાયેલી ટોળકીએ રાજકોટમાં જ ૧૪ ગુનાઓને અંજામ આપ્યો છે. જેમાં મોટા ભાગની ઘરફોડ ચોરીઓ છે અને ત્રણ ધાડ-લૂંટ-લૂંટના પ્રયાસનો સમાવેશ થાય છે. આ ટોળકીએ આજે જે ગુના કબુલ્યા છે તેમાં દસ દિવસ પહેલા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પરમેશ્વર પાર્કના બંધ મકાનમાંથી રૂ. ૭ હજાર રોકડા અને ચાંદીના સિક્કા-સાંકળાની ચોરી, આશરે એક મહિના પહેલા મવડી ચોકડી પાસે બંધ મકાનમાંથી ૯૪૦૦ રોકડા અને સોનાની બુટીની ચોરી, દોઢેક માસ પહેલા ઇન્દિરા સર્કલ પાસે બંધ મકાનમાંથી ચાંદીના ૬ સિક્કા, ૪ હજાર રોકડા અને ઇમિટેશન જ્વેલરીની ચોરી, આશરે બે અઢી માસ પહેલા મવડી આસ્થા ચોકડી પાસે બંધ મકાનમાંથી ૧૩ હજાર રોકડા, સોનાનો ચેઇન અને ચાંદીના સિક્કાની ચોરીનો સમાવેશ થાય છે.

ઝડપાયેલા જોગીન્દ્રસિંઘ અને તેના પરિવારજન ઉપરાંત જે બે શખ્સો સુરતના છે તેને જોગેન્દ્રસિંઘ ચોરી-લૂંટનો પ્લાન બનાવી ઘટનાને અંજામ આપવા બોલાવી લેતો હતો. આ બંનેની શોધખોળ ચાલુ છે.  ભીલ પરિવારના ઘરે ધાડ પાડી ચોરેલી વેગનઆર કોઠારીયા ગામ નજીક રેઢી મુકી દઇ બધા પોતાના ઘરે જતાં રહ્યા હતાં. આઇ-વે પ્રોજેકટની તિસરી આંખે કારની ચોરી સ્થળના ફૂટેજ બાદ ઘટનાની સવારના ફૂટેજ ચકાસી કયા રૂટ પરથી લૂંટારૂ આવ્યા તે નક્કી કર્યુ હતું અને સફળતા સાંપડી હતી.

આ કામગીરી ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, પી.એસ.આઇ. એ.એસ. સોનારા, પીએસઆઇ ઉનડકટ, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, મહાવીરસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી, મયુર પટેલ, કૃપાલસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ ચુડાસમા, જયસુખ હુંબલ, સંજય રૂપાપરા, સંતોષ મોરી, પ્રદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજાએ કરી હતી.

આઇ-વે પ્રોજેકટની 'તિસરી આંખ'એ ક્રાઇમ બ્રાંચને અપાવી સફળતાઃ વાંદરાટોપી પહેરી ઓળખ છુપાવવા પ્રયાસ કર્યો પણ 'અંબોડી'તરી આવી

. તાજેતરમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર આઇ-વે પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના અસંખ્ય ફૂટેજનું સંકલન કરી પોલીસે ઘટનાનો તાગ મેળવી લીધો હતો. ટોપી પહેરેલા લૂંટારૂ પૈકી એક-બેના માથે અંબોડી હોવાનું તારણ નીકળ્યું હતું. સાથોસાથ લૂંટને અંજામ આપી કયો રૂટ ભાગવા માટે ટોળકીએ પસંદ કર્યો? તે પણ તબક્કાવાર પોલીસની જાણમાં આવી ગયું હતું. સીસીટીવીના વર્ણન અને કોઠારીયા વિસ્તારમાં કોઇ અંબોડીવાળા ગુનેગારો રહે છે કે કેમ? તે અંગે બાતમીદારો પાસેથી વિગતો મળી હતી. બધી કડીઓની સાંકળ રચી ટોળકીના ચારેય સભ્યોને જરાપણ ગંધ ન આવે એ રીતે ઉપાડી લેવાયાનું એસીપી જયદિપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું. સુત્રધાર જોગેન્દ્રસિંઘ અગાઉ ગેરકાયદેસર હથીયારો વેંચવાના ગુનામાં પણ પકડાઇ ચુકયો છે.

(3:16 pm IST)