Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નવા વર્ષમાં સાત મહિનામાં લગ્નના ૩૭ મુહૂર્ત

૨૦૧૮માં પણ ઓછા મુહૂર્તની સમસ્યા નડશે જાન્યુઆરી માસમાં એકેય મુહૂર્ત નથી, એપ્રિલમાં સૌથી વધુ આઠ મુહૂર્તઃ ૧૪ જાન્યુઆરીએ સૂર્યના રાશિ પરિવર્તન સાથે કમૂરતા ઉતરી જશ

મુંબઇ તા. ૨૫ : હિન્દુ સમુદાયમાં ગ્રહ અને નક્ષત્રના સંયોગને આધારે લગ્નના મુહૂર્ત લેવાય છે. વર અને કન્યા પક્ષે મુહૂર્તને આધારે જ લગ્ન તારીખ નિર્ધારિત કરવામાં આવે છે. જોકે, ગત વર્ષે ૨૦૧૭માં ઓછા લગ્ન મુહૂર્તની ફરિયાદો બાદ હવે ૨૦૧૮ના નવા વર્ષમાં પણ આ જ પળોજણ યથાવત રહેવાની હોય વર-કન્યા પક્ષની ચિંતામાં વધારો થઇ ગયો છે. ૨૦૧૮ના નવા વર્ષમાં જુલાઇ સુધીના સાત માસમાં અને બાકી રહેલી લગ્નસરાની સિઝનમાં લગ્નના માત્ર ૩૭ જ મુહૂર્ત છે. ૨૦૧૮ના વર્ષની શરૂઆત સાથે જ જાન્યુઆરી માસમાં એકેય મુહૂર્ત ન હોવાની સાથે જ એપ્રિલમાં સૌથી વધારે આઠ મુહૂર્ત રહેશે.

ગત ૧૬ ડિસેમ્બરે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થવાની સાથે જ કમુરતાં શરૂ થઇ ગયા છે. કમુરતાંમાં લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત હોય હમણાં લગ્નોની શહેનાઇ ગૂંજવાની બંધ થઇ ગઇ છે. કમુરતાંને પગલે હમણાં લગ્નસરાની સિઝનને અલ્પવિરામ મૂકાઇ ગયું છે. એક મહિનાના કમુરતાં બાદ ફરી લગ્નસરાની સિઝન શરૂ થશે. ૧૪ જાન્યુઆરીએ સૂર્યના રાશિ પરિવર્તન સાથે કમુરતાં ઊતરી જશે. જોકે, તેમ છતાં યોગ્ય સંયોગના અભાવે જાન્યુઆરી માસમાં લગ્નનું એક પણ મુહૂર્ત ન હોય વર-કન્યા પક્ષની ચિંતા વધી જશે. કમુરતાં પૂરા થયા બાદ ફેબ્રુઆરીમાં જ લગ્નનું મુહૂર્ત છે. નોંધનીય છે કે, ગત ૩૧ ઓકટોબરે શરૂ થયેલી લગ્નસરાની નવી સિઝનમાં નક્ષત્ર, તિથિ, ગ્રહોના સંયોગને પગલે નવ માસની સિઝનમાં માત્ર ૪૫ જ મુહૂર્ત છે. જેમાં હવે ૨૦૧૮ના નવા વર્ષમાં ૩૭ જ મુહૂર્ત બાકી રહ્યા છે.

જયોતિષાચાર્યના જણાવ્યા મુજબ, કમુરતાં સિવાય ૧૬ ડિસેમ્બરથી ૧ ફેબ્રુઆરી સુધી શુક્ર અસ્ત હોવાથી એકેય લગ્ન મુહૂર્ત નથી. ધનાર્ક, મીનાર્ક (સૂર્ય ધન કે મીન રાશીમાં) હોય કે ફાગણ સુદ આઠમથી હોળી સુધી (હોળાષ્ટક) હોવાથી લગ્ન મુહૂર્ત લેવાતા નથી. આ બધા કારણોસર ૨૩ જુલાઇ સુધી માત્ર ૩૭ જ મુહૂર્ત છે. મુહૂર્ત પ્રમાણે, જાન્યુઆરી માસમાં શુક્ર અસ્ત હોય લગ્નનું એકેય મુહૂર્ત નથી. આ સિવાય ફેબ્રુઆરી માસમાં ૫, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૫ તારીખે લગ્નનું મુહૂર્ત છે. ત્યાર બાદ માર્ચમાં ૩, ૪, ૫, ૬, ૧૨, ૧૩ તારીખ, એપ્રિલમાં ૧૯, ૨૦, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૩૦ તારીખ, મેમાં ૧, ૨, ૪, ૮, ૯, ૧૧, ૧૨ તારીખ, જૂનમાં ૧૮, ૨૩, ૨૯ તારીખ, જુલાઇમાં ૨, ૫, ૬, ૭, ૧૦, ૧૫ તારીખે લગ્ન મુહૂર્ત છે. ત્યાર બાદ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની સિઝન પૂરી થઇ જશે. જયારે ૧૯ નવેમ્બરે દેવઉઠી એકાદશી બાદ લગ્નની નવી સિઝન શરૂ થશે.

(12:13 pm IST)