Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બાબા અમારા માટે સર્વસ્વ છે

દિલ્હીના આધ્યાત્મિક ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયમાંથી બચાવવામાં આવેલી કન્યાઓએ કહ્યું... : આ છોકરીઓ આશ્રમને સેકસ-જેલ સમાન ગણાવતી હોવા છતાં ત્યાં જ રહેવા માગે છે

નવી દિલ્હી તા. ૨૫ : દિલ્હીના રોહિણી વિસ્તારના વિજય વિહારસ્થિત આધ્યાત્મિક આશ્રમમાંથી છોડાવવામાં આવેલી સગીર વયની કન્યાઓનું કહેવું છે કે તેમના માટે બાબા વીરેન્દ્ર દેવ સર્વસ્વ છે. એ કન્યાઓ બાબાના ઉપદેશ અને શિક્ષણ અનુસાર સમગ્ર જીવન પસાર કરશે. એ બાળાઓ માટે બહાર ફરવું, બહારનાં કપડાં પહેરવાં, કોઈની સાથે વાતો કરવી વગેરે તમામ બાબતો બાબાની શિખામણોથી વિરુદ્ઘ છે. કન્યાઓ આશ્રમને સેકસ-જેલ સમાન ગણાવતી હોવા છતાં આશ્રમની બહાર રહેવા ઇચ્છતી નથી.

આશ્રમમાંથી બચાવીને અલીપુરના મિંડા ચિલ્ડ્રન્સ શેલ્ટર હોમમાં રાખવામાં આવેલી ૪૧ સગીર બાળાઓનાં કપડાં લેવા માટે આશ્રમમાં ગયેલી સિનિયર કાઉન્સેલરે જણાવ્યું હતું કે એ છોકરીઓ રિમાન્ડ હોમના રસોડામાં રાંધવામાં આવેલું જમવાનું ખાવા તૈયાર નથી. આશ્રમની બહારનો ખોરાક આરોગવો બાબાની શિખામણ પ્રમાણે અન્નદોષ ગણાતો હોવાથી એ કન્યાઓએ પહેલા દિવસે શેલ્ટર હોમમાં કંઈ ખાધું નહોતું. બીજા દિવસથી એ છોકરીઓ જાતે રાંધીને ખાય છે. આશ્રમના યુનિફોર્મ સિવાયનાં કપડાં પહેરવા તૈયાર ન હોવાથી રિમાન્ડ હોમની એક ટીમ બાબાના આશ્રમમાં જઈને એ છોકરીઓનાં કપડાં લઈને આવી હતી.

શેલ્ટર હોમમાં પણ છોકરીઓ બંધ ઓરડામાં પુરાઈ રહેવા ઇચ્છે છે. કાઉન્સેલરે ઘણી વખત સમજાવ્યા છતાં એ છોકરીઓ ખુલ્લા બગીચામાં ફરવા ઇચ્છતી નથી. ઠંડીની મોસમમાં પણ બહાર તડકામાં જવાનું તેમને ગમતું નથી. હકીકતમાં બહારના લોકોની નજરોથી બચવા માટે છોકરીઓ બંધ ઓરડામાં રહેવાનું પસંદ કરે છે. એ છોકરીઓ અંદર-અંદર વાતો કરતી રહે છે. કોઈ તેમની પાસે જાય તો ચહેરો ઢાંકીને ચૂપચાપ બેસી જાય છે. એ તમામ એક જ વાત કહે છે કે બાબા અમારું સર્વસ્વ છે. શેલ્ટર હોમમાં પણ તેમની દિનચર્યામાં કોઈ ફરક પડ્યો નથી. તેઓ પરોઢ પહેલાં ઊઠી જાય છે અને ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પ્રાર્થના કરે છે. એ સમયગાળામાં તેઓ કોઈની સાથે વાત નથી કરતી. આંખો બંધ કરીને મનમાં હસે છે અને પોતાની જાત સાથે વાતો કરે છે. તેઓ હંમેશાં આશ્રમમાં જવા ઉત્સુક રહે છે. એ છોકરીઓ કહે છે કે તેમનો આધ્યાત્મિક ગ્રંથ આશ્રમમાં હોવાથી ગ્રંથનો અભ્યાસ શકય બનતો નથી. શેલ્ટર હોમના સંચાલકોએ આધ્યાત્મિક ગ્રંથ રિમાન્ડ હોમમાં લાવી આપવાની વાત કરી તો એ કન્યાઓ કહે છે કે અમે ફકત આશ્રમમાં બેસીને ત્યાં ઉપલબ્ધ ગ્રંથમાંથી પાઠ-પ્રાર્થના કરીશું.(૨૧.૧૫)

પાંચ વધુ કન્યાઓને બચાવાઇ, આસપાસના લોકો કહે છે કે રાત્રે અમે છોકરીઓની ચીસો પણ સાંભળતા

નોર્થ દિલ્હીના રોહિણી-વિજય વિહાર વિસ્તારના આશ્રમમાંથી સગીર વયની ૪૧ કન્યાઓને બચાવ્યાના થોડા દિવસ પછી કહેવાતી આધ્યાત્મિક સંસ્થાના દિલ્હીના દ્વારકા ઇલાકાના મોહન ગાર્ડન વિસ્તારના આશ્રમમાંથી પાંચ છોકરીઓને પોલીસ અને દિલ્હીના મહિલા પંચે બચાવી હતી. શનિવારે એ જગ્યા પર દરોડો પાડતાં એ છોકરીઓને જેલ કરતાં ખરાબ હાલતમાં રીતસર ગોંધી રાખવામાં આવી હોવાનું પોલીસે નોંધ્યું હતું. બાબા વીરેન્દ્ર દેવ દીક્ષિતના રોહિણી અને દ્વારકા વિસ્તારોના આશ્રમોમાંથી બચાવવામાં આવેલી કન્યાઓની સંખ્યા ૪૬ પર પહોંચી છે. દ્વારકા વિસ્તારના લોકો કહે છે કે તેમને રાતે છોકરીઓની ચીસો સંભળાતી હતી. પોલીસ અને મહિલા પંચની સભ્યો દ્વારકા આશ્રમમાં પહોંચે એ પહેલાં શુક્રવારે દ્યણી છોકરીઓને અન્યત્ર ખસેડવામાં આવી હતી. દ્વારકા આશ્રમમાં છોકરીઓને તાળાં મારેલા બંધિયાર ઓરડામાં રાખવામાં આવતી હતી. દરોડો પાડનારી ટીમને મોટા પ્રમાણમાં દવાઓ મળી હતી. એ છોકરીઓ કયાંથી આવી હતી અને કેટલા વખતથી આશ્રમમાં રહેતી હતી એનો કોઈ રેકાઙ્ખર્ડ નહોતો. એ બધી છોકરીઓને શેલ્ટર હોમમાં મોકલવામાં આવી છે. શેલ્ટર હોમમાં રાખવામાં આવેલી અનેક છોકરીઓની સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટ ચાલે છે.

(12:17 pm IST)