Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

લાલુપ્રસાદ યાદવને હવે કદાચ જામીન ન મળે

એડવોકેટોનું કહેવું છેકે વારંવાર દોષી પુરવાર થતા ગુનેગાર માટે જામીન મળવાનું કઠિન થઇ જાય છેઃ લાલુને જેલમાં ટીવી અને અખબારો મળશે

શનિવારે સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટ દ્વારા ચારા કૌભાંડમાં જેલમાં જનાર આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને બિરસા મુંડા જેલમાં અખબારો અને ટીવીની સગવડ આપવામાં આવી છે. લાલુ પ્રસાદ યાદવ જેલના કાયદા મુજબ સવારે આઠથી બાર વાગ્યા દરમ્યાન મુલાકાતીઓને મળી શકશે. તેમના પર ર૦૧૪ માં હાર્ટ-સર્જરી કરવામાં આવી હોવાથી તેમના ખાવામાં અનેક ચીજો બાધ્ય છે. શનિવારે લાલુ યાદવને જેલનું ખાવાનું આપવામાં આવ્યું હતું અને તેમને હવે ઘરનું ભોજન મળે એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પટણ તા. રપ :. દેવધર ટ્રેઝરીમાંથી ગેરકાયદે ફન્ડના ઉપાડના મામલામાં રાંચી સ્થિત સીબીઆઇની વિશેષ અદાલતે દોષી જાહેર કર્યા બાદ રાષ્ટ્રીય જનતા દલ (આરજેડી)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ હાલમાં બીરસા મુંડા જેલમાં છે. દરમ્યાન આ વખતે લાલુ યાદવ જામીન મેળવીને જેલમાંથી બહાર આવી શકશે કે કેમ એની ચર્ચાએ જોર પકડયું છે.

કાયદાના વિશેષજ્ઞોની વાત માનીએ તો  લાલુની ગણતરી વારંવાર જેલમાં જનારા દોષી તરીકે થવાને કારણે આ વખતે તેમના માટે જામીન પર જેલમાંથી બહાર આવવું મુશ્કેલ બની રહેશે. ચારા ગોટાળા સાથે સંકળાયેલા એક અન્ય કેસમાં લાલુ યાદવ આ પહેલાં પણ દોષી જાહેર થઇ ચુકયા છે.

ર૦૧૩ માં અદાલતે તેમને ચાઇબાસા ટ્રેઝરીમાંથી ૩૭.પ૦ કરોડ રૂપિયાના ગેરકાયદે ઉપાડ માટે દોષી ઠરાવ્યા હતાં. એ સમયે લાલુને પાંચ વર્ષની જેલની સજા થઇ હતી તથા પચીસ લાખ રૂપિયાનો દંડ થયો હતો. હવે શનીવારે કોર્ટે દેવઘરની સરકારી તિજોરીમાંથી ૮૪.પ૩ લાખ રૂપિયાના ગેરકાયદે ઉપાડના મામલામાં લાલુ યાદવને દોષી જાહેર કર્યા છે. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટ લાલુ યાદવ સહિત કુલ ૧૬ દોષીઓને ૩ જાન્યુઆરીએ સજા જાહેર કરશે.

પટના  હાઇકોર્ટના એક સીનીયર વકીલે જણાવ્યું હતું કે 'છેલ્લા કેટલાક ચુકાદાઓ પર નજર નાખીએ તો હાઇકોર્ટ આવા કેસમાં (બીજી વખત દોષી જાહેર કરવા) જમાનત આપવામાં સંપૂર્ણપણે એક જ ચીલે ચાલતી હોય છે. ર૦૧૩ માં લાલુ યાદવને હાઇકોર્ટમાંથી નહી પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતાં.' (પ-૧૪)

(12:11 pm IST)