Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ફેબ્રુઆરીમાં રૂપાણી સરકાર સામે નવી ચૂંટણીઓ જીતવાનો પડકાર

૨૯ જિલ્લાની ૭૫ નગરપાલીકા - ૧૪૨૩ ગ્રામ પંચાયત - ૨ જિલ્લા પંચાયતની ચૂંટણી

નવી દિલ્હી તા. ૨૫ : ૨૬મીએ નવ-નિયુકત મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં નવી ભાજપ સરકાર, શાસનની ધૂરા પણ ગ્રહણ કરી લેશે. દરમિયાનમાં ફેબ્રુઆરી માસમાં ફરી એકવાર ચૂંટણીના પડઘમ વાગશે. ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતો, આ જ બે જિલ્લાની ૧૭ તાલુકા પંચાયતો, ૨૯ જિલ્લાની ૭૫ નગરપાલિકા અને ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે.

નવી સરકાર માટે મોટો પડકાર એ છે કે, રાજય વિધાનસભાની ચૂંટણીમાં સત્ત્।ાધારી ભાજપ માંડ સત્ત્।ા સ્થાને પહોંચ્યું છે. નવી સરકારના મંત્રીઓ માંડ-માંડ તેમને સોંપાયેલા વિભાગોનો ચાર્જ લઈને કામગીરી પણ શરૂ નહીં કરી શકે અને જાન્યુઆરી માસમાં રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આ ચૂંટણીની તૈયારીમાં તેમને લાગવું પડશે. અહીં મહત્વની બાબત એ છે કે, એક બાજુ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ દરમિયાન ગુજરાત સરકારનું વર્ષ ૨૦૧૮-૧૯નું વાર્ષિક બજેટ રજૂ કરવાનું આવશે. તેની તૈયારીઓ ચાલતી હશે એ દરમિયાનમાં જ એટલે કે ફેબ્રુઆરીમાં જ પંચાયતો-પાલિકાઓની ચૂંટણીઓ આવી જશે. જોકે, અહીં ધરપત લેવા જેવી બાબત એ છે કે, માત્ર ૨ જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૫ નગરપાલિકાઓ અને ૧૪૨૩ ગ્રામ્ય પંચયાતોની જ ચૂંટણીઓ છે એટલે સરકાર ઉપર તેની વ્યાપક અસર નહીં થાય પણ આ ચૂંટણીઓ જીતવાનો પડકાર તો નાનો નહીં હોય.

વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો સાથે જીત ભલે મળી છે પરંતુ આ બેઠકોમાં ૪૪ બેઠકો તો માત્ર મહાનગરો અને શહેરી વિસ્તારોને આભારી છે. રાજયના ૫૮ ટકા જેટલા ગ્રામીણ વિસ્તારની ૧૨૭ બેઠકોમાંથી તો ભાજપને માત્ર ૫૫ બેઠકો જ મળી છે. એનો અર્થ એ થયો કે, આ વખતની વિધાનસભાની ચૂંટણી અત્યંત હાઈ-પ્રોફાઈલ માહોલમાં યોજાઈ હતી. આમ છતાં ભાજપ માત્ર શહેરી વિસ્તારોના ભાજપ-તરફી મતદાનના કારણે સત્ત્।ા સ્થાન સુધી પહોંચી શકયું છે. એવામાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં ફરીથી ભાજપના પ્રાદેશિક નેતૃત્વની આકરી કસોટી થશે.

વર્ષ ૨૦૧૫માં ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે મજબૂત દેખાવ કર્યો હતો. જયારે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં વોટ-શેર ઘટવા છતાં ભાજપને વધુ બેઠકો મળી હતી. આ ઘટનાને ભાજપના નેતૃત્વે સામાન્ય ગણી ન હતી બલ્કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (પાલિકા-પંચાયતો)ની આ ચૂંટણીઓ પૈકી જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપના પરાજયનું ઠીકરું રાજયના મુખ્યમંત્રીના માથે ફોડાયું હતું અને મુખ્યમંત્રી પદેથી રાજયના પ્રથમ મહિલા એવા આનંદીબેન પટેલને સ્થાન છોડવું પડ્યું હતું. તેમના સ્થાને વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.(૨૧.૯)

(1:39 pm IST)