Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કુલભૂષણ જાધવને મળશે ક્રિસમસ ગિફટ, આજે મા-પત્ની સાથે મુલાકાત

આ મુલાકાત વિદેશ મંત્રાલયમાં થશેઃ જાધવની દયા અરજી પેન્ડીંગ છે

નવી દિલ્હી તા. ૨૫ : પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની સોમવારે ઇસ્લામાબાદમાં પત્ની અને મા સાથે મુલાકાત થશે. જાધવની પત્ની અને મા ૨૫ ડિસેમ્બરે એક કમર્શિયલ ફલાઇટથી મુલાકાત માટે નક્કી કરેલા સમયની થોડીવાર પહેલા જ ઇસ્લામાબાદ પહોંચશે. મુલાકાત પછી તરત જ તેઓ ભારત આવવા રવાના પણ થઇ જશે. આ મુલાકાત દરમિયાન ઇન્ડિયન હાઇ કમિશનના એક અધિકારી પણ હાજર રહેશે.

જાધવની પત્ની અને માને પાકિસ્તાને ફકત ૪ દિવસ પહેલા જ વિઝા આપ્યા છે. પાકિસ્તાને પહેલા ફકત જાધવની માને જ મુલાકાતની મંજૂરી આપી હતી. પરંતુ, ભારતે દબાણ કર્યા પછી તેની પત્નીને પણ વિઝા આપવામાં આવ્યા. ભારતે જાધવ માટે કોન્સ્યુલર એકસેસની પણ માંગ કરી હતી. પાકિસ્તાને એવું કહીને આ વાતને રદિયો આપી દીધો કે જાધવ જાસૂસ છે અને આ પ્રકારના કેસમાં કોન્સ્યુલર એકસેસ ન આપી શકાય.

૨૫ ડિસેમ્બરે પત્ની અને માની મુલાકાત પછી જાધવને ફાંસી આપવામાં આવશે તેવી અફવા ફેલાઇ હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડો. મોહમ્મદ ફૈઝલને આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે શું જાધવને જલ્દી જ ફાંસી આપવામાં આવી શકે છે? આ સવાલના જવાબમાં ફૈઝલે કહ્યું હતું- હું તમને ભરોસો અપાવવા માંગું છું કે જાધવને જલ્દી ફાંસી આપવાનો કોઇ ખતરો નથી. અમે માણસાઇના આધારે કમાન્ડર જાધવની પત્ની અને માને તેમની સાથે મુલાકાતની પરવાનગી આપી છે. આ મુલાકાત વિદેશ મંત્રાલયમાં થશે. જાધવની દયા અરજી (મર્સી પિટિશન) પેન્ડિંગ છે.

ફૈઝલે કહ્યું હતું- જાધવને મા અને પત્નીને મળવાની મંજૂરી બે કારણોસર આપવામાં આવી છે. એક- ઇસ્લામિક પરંપરા. બીજું- માણસાઇ. પહેલા એમ કહેવામાં આવતું હતું કે આ મુલાકાત કોઇ અજાણ્યા સ્થળે થશે. પરંતુ, ફૈઝલે સ્પષ્ટ કર્યું કે મુલાકાતની વ્યવસ્થા વિદેશ મંત્રાલયમાં કરવામાં આવી છે. આ દરમિયાન ઇન્ડિયન એમ્બેસીનો એક અધિકારી પણ હાજર રહેશે. જો બંને મહિલાઓ મીડિયા સાથે વાતચીત કરવા માંગશે તો પાકિસ્તાનને તેના પર પણ કોઇ વાંધો નહીં હોય. જોકે, આ મામલે અમે ભારતના ફેંસલાની રાહ જોઇશું. ફૈઝલે થોડાક દિવસ પહેલા કહ્યું હતું, કે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન જાધવના પરિવારને સંપૂર્ણ સિકયોરિટી આપવામાં આવશે.(૨૧.૭)

(12:15 pm IST)