Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

હેલ્થ ઈન્સ્યોરન્સ થયા મોંઘાદાટઃ સિનીયર સિટીઝનો હેરાન પરેશાન

નો કલેઈમના કેસમાં પ્રિમીયમ પર અપાતુ ૧૫ ટકાનું ડીસ્કાઉન્ટ પણ બંધ કરાયું: તમામ કંપનીઓએ તગડુ પ્રિમીયમ વસુલવાનું શરૂ કરતા સિનીયર સિટીઝનો કંપની પણ બદલી શકતા નથીઃ વિમા કંપનીઓનો દાવોઃ સિનીયર સિટીઝન કેટેગરીમાં ૩૦૦ ટકાનું નુકશાન થઈ રહ્યુ છેઃ મેડીકલ ક્ષેત્રમાં મોંઘવારીનું પૂર આવવાથી પ્રિમીયમ વધારવા મજબુરી

નવી દિલ્હી, તા. ૨૫ :. દેશભરના વડીલો મોંઘા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમથી પરેશાન છે. વિમા કંપનીઓ સિનીયર સીટીઝન કેટેગરીના લોકો પાસેથી હેલ્થ ઈન્સ્યોરન્સનું તગડુ પ્રિમીયમ વસુલ કરી રહી છે. કોલકત્તામાં રહેતા સુબીતો બેનરજી અને તેમની પત્નિ જીવનના ૭૦માં દાયકામાં છે. તેમનું હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ ૩૨૦૦૦ થી ૬૩૦૦૦ રૂ. થઈ ચૂકયુ છે. આ રકમ જૂના પ્રિમીયમથી લગભગ બમણી છે. આ જ પ્રકારે ચેન્નઈમાં રહેતા ૬૮ વર્ષના અન્નાતાઈ ગોપીકૃષ્નને પણ પ્રિમીયમ સ્વરૂપમાં ૫૮૦૦૦ રૂ. ચુકવવાના છે. અગાઉ તેઓ ૨૯૦૦૦ રૂ. ચુકવતા હતા.

અત્યાર ૫ લાખ રૂ.ના એક સાધારણ હેલ્થ વિમા માટે ૬૫ વર્ષના કોઈપણ દંપતિએ સરેરાશ ૮૪૦૦૦ રૂ. પ્રિમીયમ ચૂકવવુ પડે છે. ૫ વર્ષ પહેલા આ વિમા માટે ફકત ૫૪૦૦૦ રૂ. ચુકવવા પડતા હતા. પેન્શન પર જીવતા મોટા ભાગના વૃદ્ધો માટે આ રકમ ઘણી વધારે છે. આ વડીલો માટે ઉંમરના આ પડાવ ઉપર વિમા કંપની બદલવાનું પણ સરળ નથી. મુશ્કેલી એ છે બધી કંપનીઓએ પોતાનું પ્રિમીયમ વધારી નાખ્યુ છે. વધેલા પ્રિમીયમથી એવા લોકો પણ પરેશાન છે કે જેમણે પોતાના માતા-પિતા કે બીજા કોઈ વડીલ વૃદ્ધ માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લીધો હોય. હવે તેમણે અગાઉ કરતા બમણુ પ્રિમીયમ ચુકવવુ પડશે.

નિયમોમાં ફેરફાર વિમા પ્રિમીયમમાં વધારાનું મોટુ કારણ છે. એટલે કે અગાઉ વિમા ધારક દ્વારા જો કોઈ કલેઈમ ન કરાય તો આ સ્થિતિમાં પ્રિમીયમ પર ૧૫ ટકાની છૂટ અપાતી હતી. આ નિયમને હટાવી દેવાયો છે. આ જ રીતે અગાઉ એક જ પરિવારના બે લોકો હેલ્થ ઈન્સ્યોરન્સ લેતા હોય તો તેને ૧૦ ટકા ફેમીલી ડીસ્કાઉન્ટ પણ મળતુ હતું. આ રીતે વિમા પ્રિમીયમમાં ૨૫ ટકાની છૂટ સામાન્ય રીતે સિનીયર સિટીઝનને મળી જતી હતી. આનાથી પ્રિમીયમની રકમ પણ ઘટી જતી હતી.

એક એજન્ટના જણાવ્યા પ્રમાણે મારા એક ગ્રાહક ૩૦ વર્ષથી હેલ્થ વિમા પ્રિમીયમ ભરે છે. તેઓ નો-કલેઈમ સ્ટેટસ જાળવવા માટે પોતાના તમામ નાના હોસ્પીટલ બીલ ગજવામાંથી ભરતા હતા. એનાથી તેમને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમમાં ભારે છૂટ મળતી હતી. ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીના સીએમડી શ્રી નિવાસન જણાવે છે કે, ડીસ્કાઉન્ટ આપતી પોલીસી હવે રાહત પહોંચાડનારી નથી રહી. વિમા કંપનીઓને સિનીયર સીટીઝન કેટેગરીમાં ૩૦૦ ટકા સુધીનું નુકશાન થઈ રહ્યુ છે. મેડીકલ ક્ષેત્રમાં મોંઘવારી વધી જતા અમે પ્રિમીયમ વધારવા મજબુર થયા છીએ.

તેઓ જણાવે છે કે, ઈરડાના નિયમોનુસાર કંપનીઓ ૩ વર્ષમા એકાદ વખત પ્રિમીયમ વધારી શકે છે. છેલ્લે ૨૦૧૨માં અમે પ્રિમીયમ વધાર્યુ હતું. અત્યારે પણ સિનીયર સીટીઝન કેટેગરીમાં નુકશાન થઈ રહ્યુ છે. જો આ નુકશાનની ભરપાઈ અમારે કરવાની છે તો પ્રિમીયમમાં હજુ વધારો કરવાની જરૂર છે.

(9:57 am IST)