Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આજે વિશ્વ સાંભળશે 'નમો મંત્ર' મોદી કરાવશે ભારતની તાકાતના દર્શન

દાવોસ બેઠકમાં આજે ભારત માટે મોટો દિવસઃ મોદીના ભાષણ સાથે વર્લ્ડ ઇકોનોમીક ફોરમની ૪૮મી બેઠકનો પ્રારંભ થશેઃ મોદી વિશ્વ સમક્ષ ભારતીય અર્થવ્યવસ્થા, નિવેષ અને નીતિઓ અંગે જણાવશેઃ પ્રવચનના મુખ્ય બિંદુમાં ન્યુ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા હશે

દાવોસ, સ્વિટઝરલેન્ડ તા.ર૩ : સ્વિટઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં આજે ભારત માટે મોટો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનની સાથે જ ફોરમની ૪૮મી બેઠક શરૂ થશે. વડાપ્રધાન મોદી બપોર બાદ સભાને સંબોધન કરશે. મોદી આજે વિશ્વને ભારતની તાકાતના દર્શન કરાવશે એટલુ જ નહી તેઓ ઉભરતા ભારતની તસ્વીર પણ રજુ કરશે. આજે વિશ્વ સાંભળશે 'નમો મંત્ર'.

 

મોદીના પ્રવચન ઉપર સમગ્ર વિશ્વની નજર કેન્દ્રીત થઇ છે તેઓ આજે વિશ્વ સમક્ષ ભારતીય અર્થવ્યવસ્થા, નિવેષ અને પોતાની નીતિઓ અંગે જણાવશે. તેમના પ્રવચનના મુખ્ય બિંદુમાં ન્યુ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા સામેલ થશે.

 

આજની તેમની સ્પીચ પુર્વે ફોરમના અધ્યક્ષ બોર્ગે બ્રાન્ડે જણાવ્યુ હતુ કે અમે વડાપ્રધાનના ભારત અને વિશ્વને લઇને મિશન અંગે સાંભળવા માટે ઉત્સુક છીએ. આ અમારા માટે મહત્વની મુલાકાત છે.

આજે મોદીના પ્રવચન દરમિયાન તેઓ સમગ્ર વિશ્વને ભારતમાં રોકાણ કરવા જણાવશે એટલુ જ નહી લાલ જાજમ પણ બિછાવશે. રોકાણમાં કોઇ મુશ્કેલી નહી આવે તેવો ભરોસો પણ આપશે. તેઓ છેલ્લા ચાર વર્ષમાં ભારત સરકારે લીધેલા પગલાઓની વિગતો પણ પ્રવચનમાં રજુ કરશે. મોદી સ્વાગત પ્રવચન બાદ સમાપન પ્રવચન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપશે.

આજે મોદીનો વ્યસ્ત કાર્યક્રમ છે તેઓ ટ્રમ્પ સહિત વિશ્વના નેતાઓને પણ મળે તેવી શકયતા છે.

(10:41 am IST)