Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ભાગેડુ માલ્યા, નીરવ મોદી અને ચોક્સી પાસેથી 19 હજાર કરોડ રૂપિયા વસૂલાયા? :સરકારે સંસદમાં આપ્યો જવાબ

રાજ્યસભામાં સરકારે આપ્યો લેખિતમાં જવાબ:ભાજપના સાંસદ બ્રિજ લાલના પ્રશ્નના જવાબમાં માહિતી અપાઈ

નવી દિલ્હી :ભાગેડુ વિજય માલ્યા, નિરવ મોદી, અને મેહુલ ચોક્સીની સંપતિ જપ્ત કરવા મુદ્દે ભારત સરકારે રાજ્યસભામાં લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં સરકાર દ્વારા જણાવાયુ છે કે, ત્રણેય ભાગેડુ પાસેથી અત્યાર સુધી 19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ ત્રણેય ભાગેડુઓએ પોતાની કંપનીઓ મારફતે વિવિધ બેંકો પાસેથી બાવીસ હજાર પાંચસો પંચ્યાસી પોઈન્ટ ત્યાંસી કરોડનો ચૂનો લગાવી દેશમાંથી ફરાર થઈ ગયા હતા. રાજ્યસભામાં ભાજપના સાંસદ બ્રિજ લાલના પ્રશ્નના જવાબમાં રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જવાબ આપ્યો હતો.

જવાબમાં જણાવવામાં આવ્યું છે કે 15 માર્ચ, 2022 સુધીમાં, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એક્ટ હેઠળ 19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 19,111.20 કરોડ રૂપિયામાંથી 15,113.19 કરોડ રૂપિયાની સંપત્તિ ખાનગી ક્ષેત્રની બેંકોને સોંપવામાં આવી છે જ્યારે ભારત સરકારે રૂ. 335.06 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે 15 માર્ચ, 2022 સુધી, ત્રણ કેસોમાં, કુલ છેતરપિંડીની રકમની 84.61 ટકા સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને બેંકના નુકસાનના 66.91 ટકા તેમને પરત કરી દેવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે SBIની આગેવાની હેઠળના બેંકોના કોન્સોર્ટિયમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમને સોંપવામાં આવેલી સંપત્તિના વેચાણમાંથી રૂ. 7,975.27 કરોડની વસૂલાત કરી છે.

(12:33 am IST)