Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

હાઈવે પર 60 કિમી પર માત્ર એક જ વાર ટોલ ચૂકવવો પડશે :સ્થાનિક લોકો માટે મળશે ‘પાસ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મુજબ ટોલ પ્લાઝા નજીક રહેતા લોકોને હાઇવે પર મુસાફરી કરનારાઓને રાહત મળશે

નવી દિલ્હી : આગામી સમયમાં હાઈવે પર મુસાફરી સસ્તી થવા જઈ રહી છે. સરકાર ચોક્કસ મર્યાદામાં માત્ર એકવાર ટોલ લેશે. આ સાથે ટોલ પ્લાઝાની નજીક રહેતા અને હાઈવે પર સતત મુસાફરી કરતા સ્થાનિક લોકોને પણ રાહત મળશે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આજે લોકસભામાં સરકારની આ યોજના વિશે માહિતી આપી, જે મુજબ હવે હાઈવે પર ટોલ પ્લાઝાની સંખ્યા મર્યાદિત રહેશે, જ્યારે સ્થાનિક લોકોએ હવે ટોલ નહીં ચૂકવવો પડે. સરકારની આ યોજના આગામી 3 મહિનામાં અમલમાં આવશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે જાહેરાત કરી હતી કે સરકાર આગામી 3 મહિનામાં દેશમાં ટોલ પ્લાઝાની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહી છે અને 60 કિમીની ત્રિજ્યામાં માત્ર એક જ ટોલ પ્લાઝા કાર્યરત રહેશે. આજે લોકસભામાં આ નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે 60 કિલોમીટરની અંદર આવતા અન્ય ટોલ પ્લાઝા આગામી 3 મહિનામાં બંધ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને ટોલ ચૂકવવો પડશે નહીં, તેમને પાસ આપવામાં આવશે. આનાથી હાઈવે પર મુસાફરી કરનારાઓના ખિસ્સામાં રાહત મળશે, સાથે જ વધુને વધુ લોકો ટોલ ચૂકવીને હાઈવે પર મુસાફરી કરવા પ્રેરિત થશે.

સરકાર હાઈવે પર ટ્રાફિક વધારીને ટોલની આવક વધારવા પર ભાર આપી રહી છે. તે જ સમયે, ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોની હંમેશા માગ રહે છે કે તેમને ટોલમાં રાહત આપવામાં આવે કારણ કે સ્થાનિક હોવાને કારણે તેમને સતત મુસાફરી કરવી પડે છે. ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને પણ સરકારની નવી યોજનાથી ઘણો ફાયદો થવાની આશા છે.

(12:12 am IST)