Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ચાઇના પ્લેન ક્રેશ : બોઇંગ 737 દુર્ઘટનાના બીજા દિવસે પણ કોઈ જીવતું મળ્યું નહીં :નાસાએ જાહેર કરી તસવીરો

ફ્લાઈટ રડાર મુજબ બપોરે 2:20 કલાકે 29,100 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યુ હતુ. બપોરે 2.20 વાગ્યે તેની સાથે સંપર્ક તૂટી ગયો

ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું આ બોઇંગ 737-800 વિમાન સોમવારે બપોરે ગુઆંગસીમાં ક્રેશ થયું હતું. તે કુનમિંગથી ઉડાન ભરી અને ઔદ્યોગિક શહેર ગુઆંગઝુ તરફ જઈ રહ્યું હતું. ફ્લાઈટ રડારથી મળેલી માહિતી અનુસાર, તે બપોરે 2:20 કલાકે 29,100 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યુ હતુ. બપોરે 2.20 વાગ્યે તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો.

ચીનના રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીના અહેવાલ મુજબ, વિમાનમાં સવાર 133 લોકોમાંથી કોઈ પણ જીવિત મળ્યું નથી. ચીનના લગભગ એક દાયકાના ઈતિહાસની આ ભયાનક દુર્ઘટના છે.

દુર્ઘટના બાદ પ્લેન અને પહાડી વિસ્તારમાં ભયાનક આગ લાગી હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે તે નાસાના ઉપગ્રહોના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. સીસીટીવી ઈમેજો અનુસાર, ઘટના સ્થળે કાટમાળ દેખાઈ રહ્યો છે, પરંતુ પ્લેનમાં સવાર લોકો કે ક્રૂમાંથી કોઈનો સંપર્ક થયો નથી અને કોઈ પણ જીવિત મળી આવ્યું નથી.

દુર્ઘટના બાદ તરત જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ મોકલવાના નિર્દેશ આપ્યા હતા. જિનપિંગે અકસ્માત અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે દુર્ઘટનાના કારણની તપાસ કરવા અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશ આપ્યા છે.

બોઇંગ 737-800 સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ માનવામાં આવે છે. એરોસ્પેસ ફર્મે કહ્યું છે કે અમારા ટેકનિકલ નિષ્ણાતો ચીનના નાગરિક ઉડ્ડયન વિભાગની આગેવાની હેઠળની તપાસમાં મદદ કરવા તૈયાર છે.

(9:43 pm IST)