Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

કિશોરીએ શ્રીલંકાથી તામિલનાડુ સુધી ૧૩ કલાક સ્વિમિંગ કર્યું

ઓટીઝમથી પીડાતી કિશોરીની વિશેષ સિધ્ધિઃ જિયા રાયે શ્રીલંકાના થલાઈમન્નાર બસ્તીથી તમિલનાડુના ધનુષકોડી સુધીની સફર ૧૩ કલાકમાં પૂરી કરી હતી

રામેશ્વરમ, તા.૨૨: ઓટીઝમથી પીડાતી કિશોરી જિયા રાયે શ્રીલંકાથી તામિલનાડુ સુધી ૧૩ કલાકમાં સ્વિમિંગ કરીને રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકાથી સ્વિમિંગ કરીને તમિલનાડુ પહોંચેલી મુંબઈની ૧૩ વર્ષની જિયા રાયને ૨૦૨૨માં વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. જે ભારતમાં બાળકો માટેનો સર્વોચ્ચ એવોર્ડ છે. જિયા રાયે રવિવારે શ્રીલંકાના થલાઈમન્નાર બસ્તીથી તમિલનાડુના ધનુષકોડી સુધીની સફર ૧૩ કલાકમાં પૂરી કરી હતી. મુંબઈની ૧૩ વર્ષની જિયા રાય ભારતીય નૌસેના ઓફિસરની પુત્રી છે.

રાયએ ઓટીઝમ વિશે જાગૃતિ લાવવા માટે ૨૯ કિમી અંતરનું સ્વિમિંગ કર્યું હતુ. આ કિશોરીને પહેલેથી જ અધિકારીઓ તરફથી ઈમિગ્રેશન મંજૂરી મળી ગઈ હતી. જિયા રાયે સવારે ૪.૧૫ વાગે પોતાની સફર શરૃ કરી હતી અને સાંજે ૫.૨૦ સુધીમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી. જિયા રાયના પિતા મદન રાયે મીડિયાને જણાવ્યું હતુ કે, તેના માટે પહેલા ત્રણ કલાક તરવું મુશ્કેલ હતું. મારી પુત્રી ઓટિઝમથી પીડાય છે અને બોલવાની ક્ષમતા ગુમાવી બેઠી છે.' રાયે કહ્યું કે તે આને એક મોટી ઉપલબ્ધિ માને છે.

તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી, તરવૈયા જિયા રાયનું ઉત્સાહી ભીડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલનાડુના પોલીસ વડા સિલેન્દ્ર બાબુએ કિશોરીનું સન્માન કર્યું હતું. બાબુએ પાક જળમડરૃમધ્યે(નાળા) આ સ્વિમિંગને સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ગણાવી હતી. તેમણે કહ્યું કે 'અહીં મિલ્ક શાર્ક નામની ખતરનાક માછલીનું પણ રહેઠાણ છે. તેમજ ઘણી જેલીફિશ પણ છે. પાક જળમડરૃમધ્ય(નાળા)માં દિવસ કરતાં રાત્રે તરવું ખૂબ સરળ છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ભારતમાં યુવાનોએ સ્વિમિંગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આગળ આવવું જોઈએ.

જોકે, જિયા રાય માટે રેકોર્ડ બનાવવો એ કોઈ નવું કામ નથી. ૨૦૨૦માં જિયા રાય મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંકથી ગેટવે ઑફ ઈન્ડિયા સુધી સ્વિમિંગમાં ૩૬ કિલોમીટરનું અંતર લગભગ ૯ કલાકમાં કાપ્યું હતું. રાયને ૨૦૨૨નો વડાપ્રધાન રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે ભારતમાં બાળકો માટેનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

(9:36 pm IST)